તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા : 28 વર્ષ જૂના ચોરીના કેસમાં ફરાર આરોપીને દિલ્હીથી ઝડપ્યો .
વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા આરોપી લાલસીંગ તુલારામ નિષાદની દિલ્હીમાંથી ધરપકડ

સુરત શહેર ક્રાઇમ બ્રાંચને 28 વર્ષ જૂના ચોરીના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા આરોપી લાલસીંગ તુલારામ નિષાદની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો આ આરોપી હવે આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 1998 દરમિયાન ઉધના વિસ્તારમાં એક માલિકની હિરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં લાલસીંગ તુલારામ નિષાદનું નામ સામે આવ્યું હતું. જોકે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને સતત સ્થળ બદલતો રહેતાં પોલીસ તેને શોધી શકી નહોતી.
આરોપી લાંબા સમય સુધી હાથ ન લાગતાં કેસમાં કોર્ટ દ્વારા તેની સામે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપી વર્ષો સુધી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ રહેતો રહ્યો હતો.
તાજેતરમાં સુરત શહેર ક્રાઇમ બ્રાંચની આર્મ્સ સ્ક્વોડને આરોપી દિલ્હીમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દિલ્હીમાં ગુપ્ત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું. સતત ત્રણ દિવસ સુધી આરોપીની હિલચાલ પર નજર રાખી તેના રહેઠાણ અને ઓળખની ખાતરી કર્યા બાદ પોલીસે સફળતાપૂર્વક તેની ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો જેથી વર્ષો સુધી કાયદાની પકડથી બચી શકે. જોકે સુરત ક્રાઇમ બ્રાંચના સતત પ્રયાસો અને ચોક્કસ બાતમીના આધારે આખરે તેને ઝડપી લેવામાં સફળતા મળી છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
