તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
સુરત કોંગ્રેસના બે ફાડિયા :એક જ દિવસે અને એક જ સમયે કોંગ્રેસના બે જુદા-જુદા વિસ્તારોમાં સમાંતર કાર્યક્રમો યોજાયા
એક જ દિવસે યોજાયેલા આ બંને કાર્યક્રમો વાસ્તવમાં બંને જૂથો દ્વારા પોતાની પકડ મજબૂત કરવા માટેનું ખુલ્લું શક્તિ પ્રદર્શન

સુરત શહેર જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને જૂથવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષને મજબૂત કરવાના દાવાઓ વચ્ચે નેતાઓ પરસ્પર શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સુરતમાં એક જ દિવસે અને એક જ સમયે કોંગ્રેસના બે જુદા-જુદા વિસ્તારોમાં સમાંતર કાર્યક્રમો યોજાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાક્રમે સ્પષ્ટ કરી દીધું છે કે સુરત કોંગ્રેસના બે ફાડિયા થઈ ચૂક્યા છે અને સંગઠનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. નેતાઓની આ જૂથબંધીના કારણે સામાન્ય કાર્યકરો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે.
સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષની આંતરિક ખેંચતાણ જગજાહેર થઈ ગઈ છે, જ્યારે એક જ સમયે બે અલગ-અલગ સ્થળોએ સંમેલનો બોલાવવામાં આવ્યા. ભટાર સ્થિત કાપડિયા વાડી ખાતે નારાજ કોંગ્રેસીઓ દ્વારા એક 'નવનિર્માણ અભિયાન' અંતર્ગત સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની આગેવાની કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવદનસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના મહત્વના આગેવાનો અને અસંતુષ્ટ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બીજી તરફ, બરાબર એ જ સમયે કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવ અને નિષ્ફળતાના કારણો શોધવા માટે આ મિટિંગ બોલાવાઈ હોવાનો દાવો કરાયો હતો. જો કે, એક જ દિવસે યોજાયેલા આ બંને કાર્યક્રમો વાસ્તવમાં બંને જૂથો દ્વારા પોતાની પકડ મજબૂત કરવા માટેનું ખુલ્લું શક્તિ પ્રદર્શન હતું.
ભટાર ખાતે ભેગા થયેલા અગ્રણીઓએ જણાવ્યું કે, આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપને પછાડવા અને દેશમાં 'નવનિર્માણ ભારત'ના સંકલ્પને સાકાર કરવા કાર્યકરો સાથે સીધો સંવાદ જરૂરી છે. સુરત બાદ હવે આગામી દિવસોમાં અમદાવાદ અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં પણ આવી બેઠકો યોજીને નારાજ કાર્યકરોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરાશે. નેતાઓએ આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ એક પરિવાર છે, તેથી જે પણ કાર્યકરો કે આગેવાનો નારાજ છે તેમની ફરિયાદો અંગે હાઇકમાન્ડ સાથે વિસ્તૃત ચર્ચા કરી ટૂંક સમયમાં સુખદ નિરાકરણ લાવવામાં આવશે. જો કે, સંગઠનની આ યાદવાસ્થળી પક્ષની મુશ્કેલીઓ વધારી શકે છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
