<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

સુરત કલેકટર તેજસ પરમારના હસ્તે 5 પરિવારોને દત્તક માતા-પિતા તરીકેનો આદેશ પ્રાપ્ત: સ્ટેપ એડોપ્શનમાં સુરત રાજ્યમાં અગ્રેસર, અત્યાર સુધીમાં કુલ 48 આદેશ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે

જિલ્લા બાળ સુરક્ષા એકમની કામગીરીથી સુરત બન્યું મોડલ: પતિ/પત્નીના અગાઉના લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસર રીતે દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનતા પરિવારોમાં ખુશી, બાળકોને મળશે માતા-પિતાનું નામ અને વારસાઈ હક્ક

સુરત : સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના હસ્તે શુક્રવારે વધુ 5 પરિવારોને સ્ટેપ એડોપ્શનના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુરત જિલ્લો રાજ્યમાં સ્ટેપ એડોપ્શનના સૌથી વધુ 48 આદેશ જારી કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે.

 

*શું છે સ્ટેપ એડોપ્શન?*

સ્ટેપ એડોપ્શન એટલે કે જ્યારે પતિ કે પત્નીના અગાઉના લગ્નથી જન્મેલા બાળકને વર્તમાન જીવનસાથી કાયદેસર રીતે દત્તક લે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ જિલ્લા કલેકટરને આવા આદેશ આપવાની સત્તા આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકને દત્તક માતા-પિતાનું નામ, અટક અને મિલકતમાં વારસાઈ હક્ક મળે છે.

 

*સુરતની સિદ્ધિ*

જિલ્લા બાળ સુરક્ષા એકમ, સુરત દ્વારા છેલ્લા બે વર્ષમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી છે. અરજદારોને માર્ગદર્શન, દસ્તાવેજોની ચકાસણી અને ઝડપી પ્રક્રિયા દ્વારા 48 પરિવારોને સ્ટેપ એડોપ્શનના આદેશ મળ્યા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. 

 

કલેકટર તેજસ પરમારે જણાવ્યું કે, "બાળકોના હિત અને પરિવારની એકતાને ધ્યાનમાં રાખીને આ કામગીરી પ્રાથમિકતાથી કરવામાં આવી છે. સ્ટેપ એડોપ્શનથી બાળકોને સામાજિક સુરક્ષા, ભાવનાત્મક સ્થિરતા અને કાયદાકીય અધિકારો મળે છે. ઘણા કિસ્સામાં બાળકના શાળાના દાખલા, આધાર કાર્ડ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોમાં માતા-પિતાના નામને લઈને મુશ્કેલી પડતી હતી, જે હવે દૂર થશે."

 

આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી પરિવારોએ કલેકટર તંત્રની સંવેદનશીલ અને ઝડપી કામગીરીને બિરદાવી હતી.

(3:23 PM IST)