News of Sunday, 10th May 2026
સુરત એરપોર્ટ પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક: દિલ્હીથી પ્લેનમાં આવેલું ₹૨.૮૦ કરોડનું 'ડ્રગ્સ' ઝડપાયું
હાઈબ્રિડ ગાંજાના ૮.૬ કિલોના જથ્થા સાથે એક મુસાફરની ધરપકડ, ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ.

સુરત : હીરાનગરી સુરતમાં નશીલા પદાર્થો ઘુસાડવાના વધુ એક મનસૂબા પર DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ પાણી ફેરવી દીધું છે. સુરત એરપોર્ટ પર આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી દરમિયાન દિલ્હીથી આવેલી ફ્લાઈટના એક મુસાફર પાસેથી અધધ ₹૨.૮૦ કરોડની કિંમતનો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપી પાડવામાં આવ્યો છે.
ચોક્કસ બાતમીને આધારે વોચ ગોઠવાઈ
DRI ની ટીમને અગાઉથી જ ગુપ્ત બાતમી મળી હતી કે દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઈટમાં માદક પદાર્થનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ફ્લાઈટ લેન્ડ થયા બાદ ટીમે શંકાસ્પદ મુસાફરને અટકાવી તેના સામાનની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન મુસાફરની બેગમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતો ૮.૬ કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
હાઈબ્રિડ ગાંજાનું કનેક્શન શું?
પકડાયેલા માદક પદાર્થની ગુણવત્તા અત્યંત ઊંચી હોવાથી તેને 'હાઈબ્રિડ' ગણાવવામાં આવી રહ્યો છે, જેની કિંમત બજારમાં કરોડોમાં આંકવામાં આવી રહી છે. DRI એ મુસાફરની અટકાયત કરી આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં સુરતના કયા ડ્રગ પેડલર્સ સંડોવાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
એરપોર્ટ સુરક્ષા સામે સવાલ?
દિલ્હી જેવા હાઈ-સિક્યોરિટી એરપોર્ટ પરથી આટલો મોટો જથ્થો સુરત સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે. આ ઘટનાને પગલે સુરત એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
