News of Friday, 29th May 2026
સુરતમાં પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને પતિએ કલેક્ટરને ઈચ્છામૃત્યુની માંગ કરતી લેખિત અરજી કરતા ભારે ચકચાર
પતિએ આક્ષેપ કર્યો છે કે કાયદાકીય સહાય ન મળવાને કારણે તેઓ આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર બન્યા .

સુરત શહેરમાંથી કૌટુંબિક વિવાદ અને માનસિક ત્રાસનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રહીશ કિરીટ પટેલે પોતાની પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી ઈચ્છામૃત્યુની માંગણી કરતાં સમગ્ર વહીવટી તંત્ર અને પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે કાયદાકીય સહાય ન મળવાને કારણે તેઓ આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર બન્યા છે.
પીડિત કિરીટ પટેલના જણાવ્યા અનુસાર, તેમની પત્ની મનીષા ચૌહાણ મહિલા સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ કરીને તેમને અલગ-અલગ પ્રકારે માનસિક અને શારીરિક ત્રાસ આપી રહી છે. કિરીટ પટેલે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, પત્ની પહેલાં તેમની સાથે મારપીટ કરીને ઉશ્કેરણી કરે છે અને ત્યારબાદ જો સામો પ્રતિકાર કરવામાં આવે તો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને તેમની સામે જ ગુનો દાખલ કરાવી દે છે. પત્ની દ્વારા કરવામાં આવેલા ખોટા કેસોને કારણે તેમને સતત કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
કિરીટ પટેલે પોતાની અરજીમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તેમની વર્તમાન પત્ની તેમની અગાઉની પત્નીથી જન્મેલા સંતાનને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરે છે. પોતાની વ્યથા ઠાલવતા તેમણે જણાવ્યું કે, આ દેશમાં પુરુષોના રક્ષણ માટે કોઈ મજબૂત કાયદો નથી. તેઓ ન્યાય મેળવવા માટે પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરીના ચક્કર કાપીને થાકી ગયા છે, પરંતુ ક્યાંય તેમની સુનાવણી થતી નથી. જો આ મામલે તેમને વહેલી તકે યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ આગામી દિવસોમાં આપઘાત કરી લેશે તેવી ગંભીર ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
