<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

દેશના ત્રણ રાજ્યોમાં કુદરતી આફતોનો ભોગ બનેલા અસહાય પરિવારોની વહારે પૂ. મોરારીબાપુ : વાવાઝોડા, પૂર અને વીજળી પડવાની દુર્ઘટનાઓ વચ્ચે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આર્થિક સહાયની જાહેરાત

ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારા મૃતકોના વારસદારો માટે જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કુલ ચાર લાખ રૂપિયાની સંવેદના સહાય અર્પણ કરાઈ

 તલગાજરડા : દેશના વિવિધ રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલી ભયાનક પ્રાકૃતિક આપદાને પગલે ભારે તારાજીના અહેવાલો સામે આવ્યા છે. આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને પૂ. મોરારીબાપુ દ્વારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે પૂ. મોરારીબાપુએ ઉદારતા દાખવીને જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કુલ ૪ લાખ રૂપિયાની સંવેદના સહાય મોકલી આપી છે.

છેલ્લા પખવાડિયા દરમિયાન સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં ભયંકર વાવાઝોડાની સ્થિતિ પેદા થઈ છે, જેને કારણે મુશળધાર વરસાદ, પૂર તેમજ આકાશી વીજળી પડવાની અનેક કમનસીબ દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ અણધારી કુદરતી આપત્તિઓમાં મોટા પાયે જાનહાની થવા પામી છે અને અનેક લોકોએ અકાળે પોતાના જીવ ગુમાવ્યા છે. આપત્તિની આ ઘડીમાં ભોગ બનનારા નાગરિકોના વારસદારો અને પરિવારોને આર્થિક પીઠબળ પૂરું પાડવાના ઉમદા આશય સાથે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તાકીદે સહાયનો હાથ લંબાવવામાં આવ્યો છે.

આ દિવસોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં કુદરતી પ્રકોપના કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ ત્રણ રાજ્યોમાં સર્જાયેલી પ્રાકૃતિક આપદામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોની વહારે આવીને પૂ મોરારીબાપુએ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાત મુજબ આર્થિક સહાયની વહેંચણી કરી છે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૨ લાખ રૂપિયા, પશ્ચિમ બંગાળ માટે ૧ લાખ રૂપિયા અને બિહાર માટે ૧ લાખ રૂપિયાની સંવેદના સહાયનો સમાવેશ થાય છે. પૂ મોરારીબાપુ દ્વારા જાહેર કરાયેલી આ તમામ સહાયની રકમ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં સીધી જ મોકલી આપવામાં આવી છે જેથી પીડિત પરિવારો સુધી વહેલી તકે મદદ પહોંચાડી શકાય. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:22 PM IST)