તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં અંધશ્રદ્ધાની હદ પાર: કડીના પિતાએ સો રૂપિયાની નોટ મેળવવા દાતરડાથી જાતે જ ચીરી નાખ્યું પેટ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બનેલી આ અવિશ્વસનીય ઘટનામાં ત્રણ પુત્રીઓના પિતાએ અંધશ્રદ્ધાના જોરે કરેલા આત્મઘાતી હુમલા બાદ ડૉક્ટરોએ જટિલ સર્જરી કરીને ચમત્કારિક રીતે તેનો જીવ બચાવ્યો

ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક અત્યંત હૃદયદ્રાવક, અજીબોગરીબ અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કડી વિસ્તારના રહેવાસી ૩૬ વર્ષીય અને ત્રણ દીકરીઓના પિતા એવા એક યુવાને પુત્ર પ્રાપ્તિની અંધઘેલછા અને વહેમમાં આવીને પોતાના જ ખેતરમાં દાતરડા જેવા તીક્ષણ હથિયારથી પોતાનું પેટ ચીરી નાખવાની અત્યંત આઘાતજનક ઘટનાને અજાણતા જ અંજામ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ અંધશ્રદ્ધાળુ વ્યક્તિએ તે યુવાનને પુત્ર પ્રાપ્તિના વહેમમાં સો રૂપિયાની નોટ અને કેટલાક દાણા આપીને એમ કહ્યું હતું કે આનાથી પુત્ર થશે, પરંતુ કોઈક કારણોસર પેલા યુવાને પેલી સો રૂપિયાની નોટ પણ ગળી લીધી હતી અને બાદમાં તેને અચાનક એવો ભય સતાવાર લાગ્યો કે જો નોટ પાછી નહીં મળે તો પુત્ર પણ નહીં થાય, જેના પરિણામે તે એટલો પાગલ બની ગયો કે તેણે દાતરડાથી પોતાનું પેટ ચીરીને આંતરડા બહાર કાઢી નાખ્યા અને નોટ શોધવા લાગ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને લોહીલુહાણ તથા અત્યંત ગંભીર હાલતમાં રહેલા આ યુવાનને ત્વરિત એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલના નિષ્ણાત સર્જનોની ટીમ માટે આ કેસ સૌથી મોટો પડકાર બની ગયો હતો. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉક્ટરોએ સમયસૂચકતા વાપરીને અતિ જટિલ અને લાંબી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી, જેમાં માત્ર યુવાનનો જીવ જ બચાવવામાં નહોતો આવ્યો પરંતુ તેના પેટની અંદરથી ગળી ગયેલી પેલી સો રૂપિયાની નોટ પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ અત્યંત જોખમી અને જટિલ ઓપરેશનને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે અને તબીબોની ભારે જહેમત તથા યોગ્ય સારવારના પરિણામે હવે આ યુવાન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે.
તબીબી ટીમના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાને પોતાની આપવીતી જણાવી ત્યારે ખુદ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયા હતા કે કોઈ માનવી અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબીને પોતાની જાતને આટલી હદે કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે અને આધુનિક યુગમાં પણ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, વહેમ અને પુત્ર મેળવવાની ઘેલછા કેટલા ભયાનક અને જીવલેણ પરિણામો લાવી શકે છે તે અંગે ગંભીર સવાલો ખડા કર્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આગામી એક-બે દિવસમાં આ યુવાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેવી સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ બાદ યુવાનના પરિવારજનો અને સ્નેહીજનોએ રાહતનો શ્વાસ લીધો છે કે સમયસર યોગ્ય સારવાર મળવાના કારણે તેમનો ઘરનો મોભી મોતના મુખમાંથી સહીસલામત પાછો ફરી શક્યો છે, જોકે આ પ્રકારની માનસિક વિકૃતિ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવી પણ તેટલી જ અનિવાર્ય બની ગઈ છે. મનોચિકિત્સકો અને સામાજિક નિષ્ણાતોના મતે, આવા દર્દીઓને માત્ર શારીરિક સારવાર જ નહીં પરંતુ માનસિક કાઉન્સિલિંગ અને સાયકોલોજિકલ થેરાપી આપવી અત્યંત આવશ્યક છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની આત્મઘાતી કે અજુગતી માનસિક સ્થિતિનું પુનરાવર્તન ન થાય.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
