<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ગુજરાત રાજ્યની સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર, 4 મે થી 35 દિવસ વિદ્યાર્થીઓને રજા : 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ થશે

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં એકસમાન તારીખે વેકેશન લાગુ; 4 મે 2026થી 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસની રજા

ગાંધીનગર તા.૩૦ : રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની તારીખો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના લેટેસ્ટ પરિપત્ર અનુસાર, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનો રહેશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.

 

જાહેર કરાયેલા સમયપત્રક મુજબ 04/05/2026 સોમવારથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે અને 07/06/2026 રવિવાર સુધી વેકેશન ચાલુ રહેશે. ત્યારબાદ 08/06/2026 સોમવારથી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક સત્ર 2025-26ના કેલેન્ડર મુજબ દ્વિતીય સત્ર 6 નવેમ્બર 2025થી શરૂ થયું હતું અને 3 મે 2026 સુધી ચાલશે. આ સત્રમાં કુલ 144 કાર્યદિવસો રહ્યા હતા.

 

શિક્ષણ વિભાગે જણાવ્યું કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને રજાઓનું આગોતરું આયોજન કરવામાં મદદ મળશે. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને દર વર્ષે મે-જૂન દરમિયાન લાંબી રજા આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહે. આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે, જેમાં દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસ, જાહેર રજાઓ 15 દિવસ અને સ્થાનિક રજાઓ 9 દિવસનો સમાવેશ થાય છે.

 

બોર્ડની પરીક્ષાઓ સાથે વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ વેકેશનમાં રજાની મજા માણશે. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા બાદ ગુજકેટ, JEE મેઈનનો બીજો રાઉન્ડ, એડવાન્સ તેમજ NEETની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રહેશે. ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થઈ 19 એપ્રિલ સુધી ચાલી હતી. શિક્ષણ વિભાગે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપતા માત્ર સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા અનુરોધ કર્યો છે. 

(4:24 PM IST)