તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
'ગુજ્જુ લવ ગુરુ' ચંદન રાઠોડના આકસ્મિક નિધનથી શોકનો માહોલ: સાંસદ ગેનીબેન ઠાકોરે પરિવારની મુલાકાત લઈ પાઠવી સાંત્વના!
પિતાની છત્રછાયા ગુમાવનારા માસૂમ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ અંગે સાંસદે વ્યક્ત કરી ગંભીર ચિંતા: પૂર્વ સાંસદ પરબત પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પી

સુઈગામ : સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે લોકપ્રિયતા મેળવનાર જાણીતા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું ભાભર સ્થિત હરીધામ ગૌશાળા નજીક માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થતાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ દુઃખદ ઘટના વચ્ચે બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે સુઈગામ સ્થિત ચંદન રાઠોડના નિવાસ્થાને પહોંચીને શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને દિલસોજી પાઠવી સાંત્વના આપી હતી.
મુલાકાત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ચંદનના વડીલો સાથે વાતચીત કરીને પિતાની છત્રછાયા ગુમાવનારા તેમના બે નાના બાળકોના ભવિષ્ય અને ઉછેર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માસૂમ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે આખા સમાજની પ્રાથમિક ફરજ છે. ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, "માણસ કેટલું જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો તે વધુ મહત્ત્વનું છે. સાદગીપૂર્ણ જીવન જીવીને યુવાનોને પ્રેરણા આપનાર ચંદનના નિધનથી આ પંથકે એક અનોખો કલાકાર ગુમાવ્યો છે."
અકસ્માત બાદથી જ નેતાઓ અને પ્રશંસકો પહોંચ્યા વહારે
અગાઉ આ અકસ્માત બાદ પણ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભરની હોસ્પિટલ પહોંચીને પરિવારને હિંમત આપી હતી. બીજી તરફ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલે પણ ચંદન રાઠોડના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોતાની કોમેડી અને કન્ટેન્ટ દ્વારા લોકોને હસાવીને લોકોના દિલમાં સ્થાન બનાવનાર ચંદન રાઠોડ ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમનું કામ અને તેમની યાદો હંમેશાં લોકોના હૃદયમાં જીવંત રહેશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
