News of Sunday, 4th October 2026
અમદાવાદમાં એક માસના બાળકના અચાનક અપહરણ:બાળ તસ્કરીનો પર્દાફાશ :એક યુવતી સહીત ત્રણ ઝડપાયા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો:આરોપીઓ બાળકોનું અપહરણ કરી તેમને નિઃસંતાન દંપતીઓને વેચવાની યોજના

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળક તસ્કરીના એક ગંભીર મામલાનો પર્દાફાશ કરી એક યુવતી સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સાબરમતી વિસ્તારમાંથી માત્ર એક માસના બાળકનું અપહરણ કર્યું હતું અને તેને નિઃસંતાન દંપતીને વેચવાની યોજના બનાવી હતી.
મળતી માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાંથી એક માસનું બાળક અચાનક ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે બાળકને શોધવા માટે અલગ-અલગ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. સતત તપાસ બાદ માત્ર 14 કલાકમાં પોલીસે અપહરણ કરાયેલા બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું.
આ કેસમાં પોલીસે જીનલ, પ્રવિણ યાદવ સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસ હવે આરોપીઓ વચ્ચેની ભૂમિકા અને બાળકના અપહરણ પાછળની સંપૂર્ણ કડી અંગે તપાસ કરી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ બાળકોનું અપહરણ કરી તેમને નિઃસંતાન દંપતીઓને વેચવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
