તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સેલંબાના ગોટપાડા પુલ પર પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ જીવ જોખમે, વહેતા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબુર
ગોટપાડા ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પુલનું સર્વેક્ષણ કરી કાયમી પુલના નિર્માણ માટે જરૂરી મંજૂરી અને બજેટ ફાળવવાની માંગ કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સેલંબા વિસ્તારના ગોટપાડા ગામમાં ચોમાસાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગામને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળતાં શાળાએ જતા નાના બાળકોને જીવના જોખમે વહેતા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
ગોટપાડા ગામના વિદ્યાર્થીઓ રોજ નજીકની શાળાએ જવા માટે આ પુલનો ઉપયોગ કરે છે. પરંતુ વરસાદ પડતાં નાળામાં પાણીનો પ્રવાહ વધતાં પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે. પરિણામે બાળકોને પાણીના વેગ અને લપસણાં રસ્તા વચ્ચે જોખમ ઉઠાવી શાળાએ જવું પડે છે. ભારે વરસાદના દિવસોમાં વાલીઓને બાળકોને શાળાએ મોકલવા અંગે પણ મૂંઝવણનો સામનો કરવો પડે છે, જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર થવાની શક્યતા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે, છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.ગામ માટે ઊંચા અને મજબૂત પુલ અથવા કૉઝવેના નિર્માણની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. સાથે જ વરસાદી મોસમ દરમિયાન ચેતવણી બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા, વિકલ્પ માર્ગ તેમજ વિદ્યાર્થીઓ માટે સલામત વાહન વ્યવસ્થાની પણ માંગ ઉઠી છે.
ગોટપાડા ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ પુલનું સર્વેક્ષણ કરી કાયમી પુલના નિર્માણ માટે જરૂરી મંજૂરી અને બજેટ ફાળવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ જવાનો અધિકાર છે અને કોઈ દુર્ઘટના બને તે પહેલાં તંત્રએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
