તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી:વિડીઓ બનાવી કહ્યું-મારી મોત પાછળ કોઈ જવાબદાર નથી’
આત્મઘાતી પગલું ભરતાં પહેલાં વિદ્યાર્થીએ એક વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો:તેણે કોઈના દબાણ વગર સ્વેચ્છાએ આ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થી ધનેશ પ્રજાપતિએ એક એપાર્ટમેન્ટના 13મા માળેથી નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. આત્મઘાતી પગલું ભરતાં પહેલાં વિદ્યાર્થીએ એક વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે કોઈના દબાણ વગર સ્વેચ્છાએ આ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ચકચાર મચી ગઈ હતી, જ્યારે 18 વર્ષીય ધનેશ પ્રજાપતિ નામના યુવકે અચાનક 13મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. જોરદાર અવાજ સાથે નીચે પટકાયેલા યુવકને જોઈ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, મૃતક ધનેશ પ્રજાપતિ ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી હતો. તે અભ્યાસમાં સામાન્ય દિવસોની જેમ જ પ્રવૃત્ત હતો, પરંતુ અચાનક તેણે આવું ચરમસીમાનું પગલું કેમ ભર્યું તે અંગે પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. પરિવારમાં એકાએક બનેલી આ ઘટનાથી ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીએ 13મા માળેથી પડતું મૂકતાં પૂર્વે પોતાના મોબાઈલ ફોનમાં એક અંતિમ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ક્લિપમાં તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું. "હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. મારા પર કોઈનું પણ દબાણ નથી અને મારા મોત પાછળ કોઈ પણ વ્યક્તિ જવાબદાર નથી." આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેને પુરાવા તરીકે કબ્જે લઈ વધુ તપાસ આગળ ધપાવી છે.
ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વિદ્યાર્થીએ માનસિક તણાવ, અભ્યાસનું દબાણ કે અન્ય કોઈ અંગત કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ, તે દિશામાં ગોડાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
