<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

અરવલ્લીના ભિલોડામાં ધોરણ 10ની પૂરક પરીક્ષાના નાપાસ થતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું

હાથિયા ગામનો મિત ડામોરએ ધોરણ 10ની પૂરક પરીક્ષામાં નાપાસ થતા હતાશ થઈને આ અત્યંત પગલું ભર્યું

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાના પરિણામ બાદ એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાથિયા ગામનો રહેવાસી મિત ડામોર નામનો વિદ્યાર્થી ધોરણ 10ની પૂરક પરીક્ષામાં બેઠો હતો. જોકે, પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ તે નાપાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામથી હતાશ થઈને મિતે આ અત્યંત પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરિવારનો લાડકવાયો પુત્ર ગુમાવતા સ્વજનો આઘાતમાં સરી પડ્યા છે.

આ ઘટના સમગ્ર રાજ્યના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓ પર રહેલા માનસિક દબાણને સમજવું ખૂબ જ જરૂરી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ કિસ્સાએ હાથિયા ગામમાં ભારે ગમગીની ફેલાવી દીધી છે.

(12:22 AM IST)