<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

અમદાવાદમાં દિવાળી ટાણે ફટાકડાના વેચાણ માટે કડક નિયમો : સ્ટોલ માટે ફાયર વિભાગની મંજૂરી લેવી ફરજિયાત

કાપડના મંડપ પર પ્રતિબંધ, માત્ર ગ્રીન ફટાકડાને મંજૂરી, કાલુપુર-દિલ્હી દરવાજામાં 60થી વધુ દુકાનો સીલ, વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ તંત્ર એક્શનમાં

અમદાવાદ તા.24 : અમદાવાદમાં દિવાળી ટાણે ફટાકડાના વેચાણ માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે અને કાપડના મંડપ પર પ્રતિબંધ મૂકાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ ફટાકડાનો સ્ટોલ ખુલ્લી જગ્યામાં કે કાપડના મંડપમાં લગાવી શકાશે નહીં. માત્ર RCC સ્ટ્રક્ચર વાળી દુકાન કે શટરવાળી દુકાનમાં જ વેચાણની મંજૂરી અપાશે.500 ચો.મી.થી નાની દુકાન માટે ફાયર વિભાગની NOC અને 500 ચો.મી.થી મોટી દુકાન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત.સ્ટોલ પર રેતી, 1000 થી 5000 લિટર પાણીની વ્યવસ્થા, ફાયર એક્સટીન્ગ્યુશર રાખવા ફરજિયાત. સ્ટોલની અંદર બીડી-સિગારેટ પીવા પર પ્રતિબંધ, બાળકોને સ્ટોરેજ એરિયાથી દૂર રાખવા.

માત્ર PESO સર્ટિફાઇડ ગ્રીન ફટાકડાનું જ વેચાણ થઈ શકશે. જોઈન્ટ કે સીરીઝ વાળા લાર, બેરિયમ યુક્ત ફટાકડા, ચાઈનીઝ તુક્કલ અને વિદેશી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ.

ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ.

પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા BNSS ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. 19 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, શાળા, કોર્ટ, ધાર્મિક સ્થળોથી 100 મીટરની અંદર સાયલન્ટ ઝોન રહેશે. પેટ્રોલ પંપ, LPG ગોડાઉન, એરપોર્ટ પાસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ.

વસ્ત્રાલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્માં 10 લોકોના મોત બાદ AMC એક્શનમાં આવી છે. સેન્ટ્રલ ઝોન એસ્ટેટ વિભાગે કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી 30 દુકાનો અને દિલ્હી દરવાજા પાસે 7 દુકાનો મળી કુલ 60થી વધુ દુકાનોને BU પરમિશન, ફાયર NOC, પોલીસ પરમિટ અને એક્સપ્લોઝિવ સર્ટિફિકેટ વગર ચાલતી હોવાથી સીલ કરી છે. વેપારીઓને 3 દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા નોટિસ અપાઈ છે.

(3:46 PM IST)