તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ગુજરાતમાં ૧ મે થી ૩૧ મે સુધી હેલ્મેટના નિયમોના ચુસ્ત પાલન માટે ખાસ ઝુંબેશ : રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કચેરીઓના પ્રવેશદ્વાર પર જ પોલીસનું સઘન ચેકિંગ
મોટર વાહન અધિનિયમ મુજબ દ્વિ-ચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત : સુરતની સફળ અમલવારી બાદ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં એક મહિનો કડક ડ્રાઇવ ચલાવવા આદેશ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ૧ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ સુધી ખાસ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમનું પાલન કરે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
સરકારી અને બિન-સરકારી વાહનચાલકો પર નજર:
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (STB) ના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક મકરંદ ચૌહાણ દ્વારા જારી કરવામાં આવેલા પત્ર મુજબ, આ ડ્રાઇવ દરમિયાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન-સરકારી દ્વિ-ચક્રી વાહનચાલકો સામે કરવામાં આવેલી કાર્યવાહીનો દૈનિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. દરેક શહેર અને જિલ્લાના વડાઓએ રોજે-રોજ કરેલી કામગીરીની વિગતો નમૂના પત્રક મુજબ બીજા દિવસે સવારે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ઇ-મેઇલ મારફતે મોકલી આપવાની રહેશે.
મોટા શહેરોમાં તબક્કાવાર અમલવારી:
૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત રોડ સેફટી ઓથોરીટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં હેલ્મેટની અમલવારી ખૂબ જ સફળ રહી હોવાથી હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો તેમજ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ તબક્કાવાર હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા જણાવવામાં આવ્યું છે.
કાનૂની જોગવાઈ અને આદેશ:
મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ના નિયમ ૧૨૯ હેઠળ દ્વિ-ચક્રી વાહનો પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમથી તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષકોને આ ડ્રાઇવ અંગે જરૂરી આયોજન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. રોડ સેફટી કમિશનર અને સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષકને પણ આ અંગેની નકલ જાણ માટે રવાના કરવામાં આવી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
