તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 19th May 2026
સુરતમાં સોશિયલ મીડિયા પર ભય ફેલાવતી રીલ-પોસ્ટ સામે કડક કાર્યવાહી થશે
ગુનેગારો અને ભ્રામક કન્ટેન્ટ પર સાયબર ક્રાઇમ તથા SOGની બાજ નજર :અનુપમસિંહ ગેહલોત

સુરત :શહેરમાં સોશિયલ મીડિયા પર રીલ અને પોસ્ટ દ્વારા ડર, આતંક અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવો માહોલ ઊભો કરવાના પ્રયાસો સામે હવે પોલીસ કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટએ સાયબર ક્રાઇમ સેલ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખવાના નિર્દેશ આપ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ગુનેગારો અને કેટલાક તત્વો દ્વારા હથિયારો, સ્ટંટ, ધમકીભર્યા વિડિયો તેમજ ધાર્મિક અથવા સામાજિક તણાવ ઊભો કરે તેવી રીલ અને પોસ્ટ મૂકવામાં આવી રહી હતી. જેના કારણે સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાતો હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું.
ગુનેગારોની રીલ અને સ્ટંટ પર ખાસ નજર
પોલીસના જણાવ્યા અનુસાર, અનેક વખત ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સોશિયલ મીડિયા પર પોતાની ધાક જમાવવા માટે વિડિયો અને રીલ પોસ્ટ કરતા હોય છે. તેમાં ટ્રાફિક નિયમોનો ભંગ, જોખમી સ્ટંટ, જાહેરમાં ફટાકડા ફોડવા, બર્થ-ડે સેલિબ્રેશનમાં હથિયારો કે વાહનો સાથે દેખાવા જેવા કૃત્યોનો સમાવેશ થાય છે.
આવી પોસ્ટ અને વિડિયોના કારણે યુવા પેઢી પર ખોટી અસર પડે છે તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ અસર થતી હોવાનું પોલીસનું માનવું છે.
સાયબર ક્રાઇમ અને SOG સંયુક્ત રીતે કરશે મોનિટરિંગ
પોલીસ કમિશનરના આદેશ બાદ હવે સાયબર ક્રાઇમ સેલ સાથે SOG પણ સક્રિય બની ગયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત મોનિટરિંગ કરવામાં આવશે અને ભડકાઉ, ભયજનક અથવા ગેરકાયદેસર કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ સુધી પહોંચી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ મામલે રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર ખોટી પબ્લિસિટી મેળવવા માટે કાયદો અને નિયમોને અવગણીને રીલ પોસ્ટ કરવામાં આવે છે. જેના કારણે સમાજમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું થાય છે. આવા કન્ટેન્ટ સામે અંકુશ લાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.”
પોલીસે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા મારફતે શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે, તો તેની સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
