<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક અને ભારે વાહનો પર રોક : ઇકો ટુરિઝમની જાળવણી માટે તંત્રનું નવું જાહેરનામું

પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ :જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર પ્રવાસીઓ સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

ગુજરાતના મિનિ કાશ્મીર તરીકે ઓળખાતા પોળો ફોરેસ્ટના પર્યાવરણ અને વન્ય જીવોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોળોના જંગલોને ઇકો ટુરિઝમ તરીકે વધુ સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાના હેતુથી હવેથી અહીં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ તેમજ ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

હાલમાં ઉનાળાની રજાઓ ચાલી રહી છે, જેને પગલે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરાને કારણે જંગલની સુંદરતાને નુકસાન પહોંચતું હતું અને વન્ય પ્રાણીઓના આરોગ્ય પર પણ ખતરો મંડરાતો હતો. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને જંગલ અને વન્ય જીવોને થતું નુકસાન અટકાવવા માટે તંત્રએ આ કડક પગલું ભર્યું છે.

નવા નિયમો મુજબ, પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિકની બોટલો, બેગ કે અન્ય કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઈ જઈ શકાશે નહીં. તે જ રીતે, સાંકડા રસ્તાઓ અને જંગલની શાંતિ જાળવવા માટે ભારે વાહનો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જાહેરનામાના આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કે વાહનચાલક સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રકૃતિ પ્રેમીઓએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે, જેથી આવનારી પેઢી માટે આ કુદરતી વારસો જળવાઈ રહે.

(8:29 PM IST)