News of Saturday, 2nd May 2026
ધો.૧૨નું ૪ મે, ધો.૧૦નું ૬ મેના રોજ પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડની પરિણામને લગતી તૈયારીઓ પૂર્ણ થતાં આગામી સપ્તાહમાં પરિણામ

અમદાવાદ,તા.૨: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના અંદાજે દોઢ માસ પછી ૧૫.૨૮ લાખ વિદ્યાર્થીની પરિણામની આતુરતાનો અંત આવશે. આગામી સપ્તાહમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ના પરિણામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ તા. ૪થી મે, સોમવારે જાહેર કરાશે. જ્યારે ધો.૧૦નું પરિણામ તા. ૬ મે, બુધવારે
જાહેર કરવાનું આયોજન કરાયું છે. આમ, ૪ મે અને ૬ મેના રોજ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર કરી દેવાશે. આ અંગે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ બોર્ડ દ્વારા ૨૬ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે ૧૮ માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આ વખતે ધો.૧૦ અને ૧૨ના મળી કુલ ૧૫૨૭૭૨૪ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ધો.૧૦ના ૯૦૭૧૭૫ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.૧૦ના કુલ વિદ્યાર્થીઓ પૈકી ૭૬૯૯૯૪ નિયમિત વિદ્યાર્થી, ૧૯૮૨૫ ખાનગી, ૭૦૭૦૨ રિપીટર, ૫૩૮૬ ખાનગી રિપીટર અને ૪૧૨૮૬ પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે કુલ ૫૦૧૨૮૬ વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી ૪૩૭૨૭૯ નિયમિત, ૩૫૧૭૪ ખાનગી, ૧૫૮૧૩ રિપીટર, ૭૮૭૩ ખાનગી રિપીટર અને ૫૧૪૭ પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતાં.
ધો.૧૨ સાયન્સમાં ૧૧૯૨૬૩ વિદ્યાર્થી પૈકી ૧૧૧૨૯૪ નિયમિત, ૭૬૯૦ રિપીટર અને ૨૭૯ પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતાં. પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ વખતે મૂલ્યાંકન માટે કુલ ૪૫૪ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા અને ૭૫૮૨૧ શિક્ષકોને જોડવામાં આપવામાં આવ્યા હતા. ધો.૧૦ની મૂલ્યાંકન કામગીરી માટે ૨૧૩ કેન્દ્ર અને ૩૯૯૬૨ શિક્ષકો નિયુક્ત કરાયા હતાં. આ ઉપરાંત, ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૧૭૨ કેન્દ્રો પર ૨૯૮૦૪ શિક્ષકો અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૬૯ કેન્દ્રો પર ૯૦૫૫ શિક્ષકો મારફતે મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૂલ્યાંકન સહિતની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪ મે સોમવારના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવાનું આયોજન કરાયું છે. જ્યારે ૬ મે બુધવારના રોજ ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે પણ બોર્ડ દ્વારા ધો. ૧૨ના બંને પરિણામો એક જ દિવસમાં જાહેર કરવાની તૈયારીઓ કરી છે અને સંભવત એક-બે દિવસમાં પરિણામને લગતી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.(૪૦.૫)
ગુજકેટનું પરિણામ પણ ધો.૧૨ સાથે જ જાહેર કરી દેવાશે
શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.૧૨ સાયન્સના પરિણામ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવે છે. જેથી ૪ મે સોમવારના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરિણામ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ૨૯ માર્ચના રોજ ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ લેવામાં આવી હતી. આ વખતે નોંધાયેલા ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓ પૈકી ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી હતી.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
