<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નકલી દેવી-દેવતાઓથી દૂર રહો,શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી:કોઈ સંપ્રદાયનું નામ વગર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની સૂચક ટિપ્પણી

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ અમદાવાદના વિશ્વઉમિયાધામ ખાતે વિશ્વના સૌથી ઊંચા મંદિરના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું:તેમણે કોઈ પણ સંપ્રદાયનું નામ લીધા વગર સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની પૂજા અંગે સૂચક નિવેદન

અમદાવાદ ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર 'વિશ્વઉમિયાધામ' ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પધાર્યા હતા. અહીં તેમણે મા ઉમિયાના દર્શન કરી વિધિવત શિલાપૂજન કર્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કોઈ પણ સંપ્રદાયનું નામ લીધા વગર સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની પૂજા અંગે એક સૂચક નિવેદન આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

વિશ્વઉમિયાધામ ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવાની સ્પષ્ટ ટકોર કરી હતી. તેમણે કોઈનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "નકલી દેવી-દેવતાઓથી દૂર રહો. આપણા શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી. મુંબઈના સિનેમાઘરમાં બને તે ભગવાન નથી." તેમના આ નિવેદનને ધાર્મિક વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

 

શંકરાચાર્યજીએ વધુમાં કહ્યું હતું કે, "હિંદુ ધર્મના પાલન માટે શિવ-શક્તિની પૂજા કરો. હિંદુ ધર્મના લોકો માત્ર પંચ દેવની પૂજા કરે. આપણા બાપદાદાઓ પરંપરાગત રીતે જેની પૂજા કરતા આવ્યા છે, તે જ સાચા ભગવાન છે."

 

 

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ વિશ્વના સૌથી ઊંચા મંદિરના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને વિશ્વઉમિયાધામના નિર્માણાધીન ગર્ભગૃહની મુલાકાત પણ લીધી હતી. મંદિર પરિસરની ભવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણથી પ્રભાવિત થઈને તેમણે જણાવ્યું હતું કે, "વિશ્વઉમિયાધામ પરિસરની ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને આગામી સમયમાં વિશ્વઉમિયાધામ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું પ્રતીક બનશે."

(1:08 PM IST)