News of Wednesday, 9th September 2026
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ : ઓગસ્ટ માસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસ નોંધી રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો
પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી ૧૪ ઓક્ટોબર સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલા વાહનો સામે કડક ઝુંબેશ : હાઇવે પર ગેરકાયદે પાર્કિંગ સામે ૩૬ હજારથી વધુ કેસોમાં કાર્યવાહી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસો નોંધી રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ૧ સપ્ટેમ્બરથી આગામી ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી કે અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
રાજ્યભરમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો સામે ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગના ૩૬,૧૫૯ કેસો નોંધી કુલ રૂ. ૩,૬૪,૫૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે અને ઓવર સ્પીડિંગના ૩૮,૦૮૩ કેસો નોંધી કુલ રૂ. ૧,૬૯,૨૬,૯૦૦ નો દંડ વસૂલ કરાયો છે. આમ ઓગસ્ટ માસમાં કુલ ૭૪,૨૪૨ કેસો નોંધીને રૂ. ૫,૩૩,૭૮,૯૦૦ નો દંડ વસૂલ કરાયો છે. તે ઉપરાંત નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગના ૧૦,૪૦૮ કેસ તથા સ્ટેટ હાઇવે તેમજ અન્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના ૨૦,૮૧૩ કેસ કરવામાં આવ્યા છે, જેમાં ટ્રાફિક અવરોધતા વાહનો સામે ૫,૦૭૮ કેસ કરી ૫૮૦ વાહનો સામે સીધી કાર્યવાહી કરાઈ છે.
રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય હોવાથી નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના ગંભીર વલણ સામે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ છે. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ અયોગ્ય નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવા ઉપરાંત ચોરી થયેલાં વાહનો શોધી કાઢવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો સંભવિત દુરુપયોગ રોકવાનો છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ નાગરિકોને આરટીઓના નિયમો અનુસારની માન્ય અને સ્પષ્ટ નંબર પ્લેટ વાપરવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરી અકસ્માતમુક્ત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
