તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Friday, 15th May 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તિજોરી અને પર્યાવરણની સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી કામકાજમાં કરકસર અને સાદગી માટે નવી માર્ગદર્શિકા જાહેર - પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને પગલે અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક : વીડિયો કોન્ફરન્સિંગ, EV વાહનોનો ઉપયોગ અને મેટ્રોના સમયમાં વધારો કરવા સહિતના અનેક મહત્વપૂર્ણ ફેરફારો

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અને કરકસર માટે કરવામાં આવેલી અપીલને ગુજરાત સરકારે મક્કમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સરકારી તિજોરી અને પર્યાવરણની સુરક્ષા માટે નવી કડક માર્ગદર્શિકા મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર હવે પ્રત્યક્ષ પ્રવાસોને બદલે ડિજિટલ માધ્યમો અને ઇલેક્ટ્રિક વાહનો પર વિશેષ ભાર મૂકશે.
પ્રવાસ અને બેઠકો માટે ડિજિટલ માધ્યમોનો આગ્રહ:
નવી માર્ગદર્શિકા મુજબ, સરકારી અધિકારીઓએ હવે પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. જિલ્લા કક્ષાના અધિકારીઓને રૂબરૂ બોલાવવાને બદલે વર્ચ્યુઅલ બેઠકો યોજવા તાકીદ કરાઈ છે. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ, વિદેશી તાલીમ કે પરિસંવાદોમાં ભાગ લેવા પર રોક લગાવાઈ છે. જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય હોય, તો પણ બિનજરૂરી સ્ટાફને સાથે ન રાખવા અને મુસાફરી પૂર્વે નિયંત્રણ અધિકારીની મંજૂરી લેવા સૂચના અપાઈ છે.
વાહનોના વપરાશ પર કડક નિયંત્રણો અને EV ને પ્રાધાન્ય:
સરકારી વાહનોના દુરુપયોગને રોકવા માટે દરેક વિભાગમાં વાહનોની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ અધિકારી એકથી વધુ હવાલો સંભાળતા હોય, તો તેમણે વધારાના વાહનો 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવાના રહેશે. જે અધિકારીઓ પાસે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઈબ્રિડ વાહનો ઉપલબ્ધ છે, તેમણે તેનો જ ઉપયોગ કરવો પડશે. કર્મચારીઓને જાહેર પરિવહન જેવી કે મેટ્રો અને એસ.ટી. બસ વાપરવા પ્રોત્સાહિત કરાશે, જેના ભાગરૂપે મેટ્રોનો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
સ્વદેશી ઉત્પાદનો અને સાદગીપૂર્ણ કાર્યક્રમો:
સરકારી સંસ્થાઓમાં હવે સ્વદેશી ચીજવસ્તુઓ અને MSMEsના ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસિ મજબૂત કરાશે. તમામ સરકારી કાર્યક્રમો અને લોકાર્પણો સાદગીપૂર્વક યોજવા તથા વર્ચ્યુઅલ પદ્ધતિ અપનાવવા જણાવાયું છે. આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ ગેસ કનેક્ટિવિટી (PNG) ફરજિયાત બનાવવામાં આવશે.
નાગરિકોને સંગ્રહખોરી ન કરવા અપીલ:
પ્રવક્તા મંત્રીએ જનતાને કોઈપણ પ્રકારના ગભરાટમાં આવ્યા વગર સંસાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે કોરોનાકાળમાં ગુજરાતીઓએ સાથ આપ્યો હતો, તેવી જ રીતે આ રાષ્ટ્રહિતના મહાયજ્ઞમાં પણ નાગરિકો સહયોગ આપશે. આ નિર્ણયોથી પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશમાં મોટો ઘટાડો થશે, જે આખરે દેશના અર્થતંત્રને મજબૂત બનાવશે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
