<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS હેડક્વાર્ટરની મુલાકાત લીધી : સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની વ્યૂહરચના પર મુકાયો ભાર

ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS અને 'ચેતક કમાન્ડો ફોર્સ'ની ઓપરેશનલ ક્ષમતાઓનું બારીકાઈથી કર્યું નિરીક્ષણ : અધિકારીઓ અને જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ નિષ્ઠાની કરી સરાહના

રાજકોટ:રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ના હેડક્વાર્ટરની ખાસ મુલાકાત લીધી હતી અને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

 

આ મુલાકાત દરમિયાન પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS તેમજ 'ચેતક કમાન્ડો ફોર્સ'ની કામગીરી, આધુનિક સજ્જતા અને ઓપરેશનલ ક્ષમતાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ATS દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સફળ ઓપરેશન્સ અને ઉત્કૃષ્ટ કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરી હતી.

 

ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં ઉદ્દભવી શકે તેવા સુરક્ષા પડકારો તેમજ ઉભરતા સુરક્ષા જોખમો (Emerging Threat Scenarios) અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને ચોક્કસ ક્ષમતા સાથે આવા તમામ પડકારો સામે લડવા માટેની વ્યાપક વ્યૂહરચના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS અને ચેતક કમાન્ડો ફોર્સના અધિકારીઓ તેમજ જવાનોની નિષ્ઠા, સમર્પણ અને તાકાતની ઉચ્ચ શબ્દોમાં પ્રશંસા કરી હતી. તેમણે સમગ્ર ટીમને રાજ્યની આંતરિક સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કામગીરી સતત ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ મુલાકાત વેળાએ રાજ્ય પોલીસ વડાએ ATS હેડક્વાર્ટર પરિસરમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને ટેકનિકલ સજ્જતાનું પણ રૂબરૂ જાત-નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(7:24 PM IST)