તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં અતિભારે વરસાદ બાદ રાહત-બચાવ કામગીરીની કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા
લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયન, અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા અને આઈજીપી મકરંદ ચૌહાણની ઉપસ્થિતિમાં સવારે તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી તથા એસપી સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્થિતિ અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સવારે ૯ કલાકે તેમણે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને ગ્રાઉન્ડ લેવલ પર જઈને સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા, પોલીસ અને તંત્ર એક ટીમ બનીને કાર્યરત:
રાજ્યમાં પૂર અને વરસાદી માહોલ વચ્ચે પોલીસ વિભાગની કામગીરી અંગે માહિતી આપતાં રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ગુજરાત પોલીસ તથા વહીવટી તંત્ર એક ટીમ બનીને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ બાદ હવે સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે, આમ છતાં પોલીસ અને વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
NDRF-SDRFની ૪૯ ટીમો તૈનાત, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોના રેસ્ક્યુને પ્રાથમિકતા:
ગુજરાત પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સંકલન સાથે કાર્ય કરી રહી છે. આપત્તિ વ્યવસ્થાપનને સુદ્રઢ બનાવવા રાજ્યભરમાં NDRF અને SDRFની મળીને ૪૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. રેસ્ક્યુ કામગીરીમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડવાને પ્રાથમિકતા અપાઈ રહી છે, સાથે જ ફસાયેલા નાગરિકો સુધી ફૂડ પેકેટ્સ અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ધરાશાયી થયેલાં વૃક્ષો હટાવવા તથા ફસાયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરવા પોલીસ કર્મચારીઓ પોતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે.
બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ:
રાજ્ય પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે અતિશય જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને હવામાન વિભાગની આગાહી તથા પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ જ મુસાફરી યોજવી. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને બિનજરૂરી બહાર ન જવાની અને સ્થાનિક તંત્ર તથા પોલીસ દ્વારા જારી કરાતી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરાઈ હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયન, આઈજીપી મકરંદ ચૌહાણ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
