તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો :અમદાવાદ-ભાવનગર હાઈવે પરથી એક કરોડથી વધુની કિંમતના એંબરગ્રીસ સાથે મેહુલ ચૌહાણને ઝડપી લીધો
આરોપી આ જથ્થો ભાવનગરના પવન કોળી અને પ્રવીણ ચૌહાણના કહેવાથી ગ્રાહકને આપવા જતો હતો :પરફ્યુમ ઉદ્યોગમાં વપરાતા આ કિંમતી પદાર્થની તસ્કરી બદલ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈવે પર કરવામાં આવેલી એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહીમાં પ્રતિબંધિત એંબરગ્રીસનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. આ કિંમતી પદાર્થની તસ્કરીમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતા જથ્થાને ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખ્યો હતો.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે અમદાવાદથી ભાવનગર જતાં હાઈવે ઉપર આવેલા પીપળી ગામ નજીક આવેલી રાજ ચામુંડા હોટલ ખાતે શંકાસ્પદ વસ્તુઓની લે-વેચ થવાની છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી હોટલ પર રેઈડ કરી હતી. આ દરમિયાન મેહુલ વિક્રમભાઈ ચૌહાણ (રહે. પીપળી ગામ) ને પકડી પાડવામાં આવ્યો હતો. તેની તપાસ કરતાં તેની પાસે રહેલી બેગમાંથી અલગ-અલગ આકાર અને કદના 5 ટુકડાઓ મળી આવ્યા હતા.
પોલીસે આ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને સ્થળ પર બોલાવ્યા હતા. પ્રાથમિક પરીક્ષણ અને વૈજ્ઞાનિક તપાસમાં આ પદાર્થ 'એંબરગ્રીસ' એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટી (Whale Vomit) હોવાનું બહાર આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક વજન કાંટાની મદદથી તેનું વજન કરવામાં આવતા તે કુલ 1 કિલો 10 ગ્રામ થયું હતું. આ આંતરરાષ્ટ્રીય કાળાબજારમાં અતિ મોંઘા ગણાતા પદાર્થની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ 1 લાખ આંકવામાં આવી છે. પોલીસે કુલ 1 કરોડ 1 લાખ 1 હજાર 820 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અગાઉ ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તે સમય દરમિયાન પવન કોળી નામના વ્યક્તિએ તેને આ એંબરગ્રીસનો જથ્થો સાચવવા માટે આપ્યો હતો. પવને તેને વિશ્વાસ અપાવ્યો હતો કે આ જથ્થો વેચાઈ જશે એટલે સારું કમિશન મળશે. બાદમાં ભાવનગરના પ્રવીણ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગ્રાહક મળતા મેહુલ તેને સોંપવા જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
એંબરગ્રીસ એ સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થતો દુર્લભ પદાર્થ છે. તેનો મુખ્યત્વે ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના પરફ્યુમ (Perfume) બનાવવા માટે થાય છે. આ પદાર્થ સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, ધૂપ અને અન્ય સુગંધિત તેલમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેની અછત અને માંગને કારણે તેને 'દરિયાઈ સોનું પણ કહેવામાં આવે છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
