<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજપીપલામાં રાજ્યકક્ષાની શાળાકીય જિમ્નાસ્ટિક્સ સ્પર્ધા :રાજ્યભરમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનો મળી 400થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ગત તારીખ 31 ઑક્ટોબરથી શરૂ થયેલી સ્પર્ધા 4 નવેમ્બર સુધી ચાલશે

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની શાળાકીય અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનોની જિમ્નાસ્ટિક્સ સ્પર્ધા યોજાઈ રહી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર; સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત; જિલ્લા વહીવટી તંત્ર, નર્મદા; અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, નર્મદાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો 31 ઑક્ટોબરના રોજ ભવ્ય શુભારંભ થયો હતો.
સ્પર્ધાનું ઉદ્ઘાટન જિલ્લા રમતગમત અધિકારી તથા રાષ્ટ્રીય વિજેતા તીરંદાજ દિનેશભાઈ ભીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 400થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધા 4 નવેમ્બર સુધી ચાલશે.
ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ નર્મદા અને ગુજરાતનું ગૌરવ વધારવા પ્રેરિત કર્યા હતા.
  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના વિદેશ મંત્રી અને નર્મદા જિલ્લાના તત્કાલીન કેન્દ્રીય પ્રભારી સાંસદ ડૉ. એસ. જયશંકરની MPLADS ગ્રાન્ટમાંથી અધ્યતન જિમ્નાસ્ટિક્સ સાધનોની ખરીદી કરવામાં આવી છે. ગુણવત્તાસભર સુવિધાઓથી સજ્જ જિમ્નેશિયમ હોલની ભેટ મળતાં નર્મદા જિલ્લાને રાજ્યકક્ષાની સ્પર્ધાનું યજમાન બનવાની તક પ્રાપ્ત થઈ છે.

(10:48 PM IST)