<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 75.49 ટકા વરસાદ: 206 જળાશયોમાં 65.89 ટકા જળસંગ્રહ

રાજ્યના કુલ 24 જળાશયો સંપૂર્ણ ભરાઈ જવાથી 100 ટકા જળસંગ્રહ:અન્ય 35 જળાશયોમાં 70 થી 100 ટકા સુધી પાણીનો જથ્થો સંગ્રહિત:27 જળાશયોમાં 50 થી 70 ટકા, 44 જળાશયોમાં 25 થી 50 ટકા અને 76 જળાશયોમાં હજુ 25 ટકા સુધીનો જળસંગ્રહ થયો

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન સારો વરસાદ વરસતા રાજ્યના જળાશયોમાં પાણીની આવક સારી એવી નોંધાઈ છે, જેના કારણે લાંબા સમય સુધી પીવા અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થઈ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના જળસંગ્રહના આંકડા મુજબ ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 75.49 ટકા જેટલો નોંધાઈ ચૂક્યો છે. આ સારા વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 89.95 ટકા જેટલો ઉત્તમ જળસંગ્રહ ઉપલબ્ધ બન્યો છે, જે સમગ્ર રાજ્ય માટે ખૂબ જ રાહતના સમાચાર છે.

 

રાજ્યના અન્ય કુલ 206 મહત્વના જળાશયોની વાત કરીએ તો તેમાં સરેરાશ 65.89 ટકા જેટલો કુલ જળસંગ્રહ સચવાયો છે. જળસંગ્રહની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરીએ તો રાજ્યના કુલ 24 જળાશયો સંપૂર્ણ ભરાઈ જવાથી 100 ટકા જળસંગ્રહ ધરાવે છે, જ્યારે અન્ય 35 જળાશયોમાં 70 થી 100 ટકા સુધી પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આ ઉપરાંત 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 44 જળાશયોમાં 25 થી 50 ટકા અને 76 જળાશયોમાં હજુ 25 ટકા સુધીનો જળસંગ્રહ જોવા મળી રહ્યો છે.

 

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવતી આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. વર્તમાન સ્થિતિ મુજબ રાજ્યભરમાં કુલ 36 જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 10 જળાશયોને એલર્ટ પર અને 13 જળાશયોને ચેતવણી આપતી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય.

(6:19 PM IST)