તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ગુજરાતમાં મિલકતોના ખરીદ-વેચાણ અંગે રાજ્ય સરકારનો અત્યંત કડક નિર્ણય : 'અશાંતધારા' કાયદાને સ્થાને હવે સત્તાવાર રીતે વપરાશે 'સ્પેસિફાઈડ એરિયા' શબ્દ
સંવેદનશીલ વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફરના સોદાઓ પર બાજ નજર રાખવા SIT અને મોનિટરિંગ કમિટી રચાશે : ગેરકાયદે સોદા સાબિત થયે ૬ મહિનામાં રકમ પરત કરી કબજો મૂળ માલિકને સોંપવો પડશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં કોમી તણાવગ્રસ્ત અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં જમીન તેમજ મિલકતોની સુરક્ષા અને ખરીદ-વેચાણની પ્રક્રિયાને વધુ સખત તેમજ અત્યંત પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક સુધારા સાથેનું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. કાયદાકીય પ્રક્રિયાઓમાં દાયકાઓથી ચાલી આવતી વ્યવસ્થામાં મહત્વના વહીવટી અને કાનૂની ફેરફારો કરીને સરકારે વર્ષો જૂના 'અશાંતધારા' શબ્દને કાયમ માટે જાકારો આપ્યો છે. નવા નિયમો અનુસાર હવે કાયદાની તમામ પ્રક્રિયાઓ અને સરકારી ચોપડે અશાંતધારાને બદલે 'સ્પેસિફાઈડ એરિયા' (Specified Area) એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો સત્તાવાર અને ફરજિયાત ઉપયોગ કરવામાં આવશે.
'પર્સન અગ્રીવડ' તરીકે ઓળખાશે ભોગ બનનાર વ્યક્તિ, મોનિટરિંગ કમિટીની ભલામણથી જ વિસ્તાર જાહેર થશે:
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, હવેથી આ કાયદા હેઠળ 'ભોગ બનનાર' વ્યક્તિ માટે 'પર્સન અગ્રીવડ' (Person Aggrieved) શબ્દપ્રયોગ અમલી બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કયા ભૌગોલિક ક્ષેત્રને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવો તે નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય 'મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી'ની વિશેષ રચના કરવામાં આવશે. આ કમિટી જે-તે વિસ્તારની ભૌતિક સ્થિતિની સમીક્ષા કરી કલેક્ટર અને સરકારને સલાહ તેમજ ભલામણ આપશે, જેના આધારે જ જે-તે ક્ષેત્રને કાયદા હેઠળ નિયત કરવામાં આવશે.
કોમી તણાવ કે સંભવિત સ્થળાંતર વાળા વિસ્તારોમાં મિલકતના સોદા પહેલાં કલેક્ટર કક્ષાએ કડક તપાસ:
નવા નિયમો મુજબ જે વિસ્તારોમાં અવારનવાર કોમી વલણોને કારણે તણાવ પેદા થતો હોય અથવા તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયના લોકોનું મોટા પાયે સ્થળાંતર થવાની આશંકા હોય તેવા વિસ્તારોને તુરંત જ 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરી દેવાશે. આવા પ્રતિબંધિત કે નિયત વિસ્તારોમાં મિલકતના કોઈપણ પ્રકારના વેચાણ અથવા માલિકી હક્કની ફેરબદલ (ટ્રાન્સફર) પૂર્વે કલેક્ટર કચેરી દ્વારા તીક્ષ્ણ અને વિગતવાર તપાસ હાથ ધરાશે. તપાસ દરમિયાન જો કોઈ પણ સ્તરે શાંતિ ભંગ કે કોમી વૈમનસ્ય ઊભું થવાની સાબિતી મળશે તો ત્યાં સુધી મિલકતના ખરીદ-વેચાણની મંજૂરીને અટકાવી દેવામાં આવશે.
તપાસ માટે એસઆઈટી (SIT) ની રચના કરાશે, ગેરકાયદે સોદા કરનારા જમીન માફિયાઓ પર કસાશે ગાળિયો:
મિલકતોના ટ્રાન્સફર સંબંધિત કોઈપણ વિવાદ કે ગેરરીતિની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વિશેષ તપાસ ટીમ એટલે કે 'SIT' ની રચના કરવામાં આવશે. આ એસઆઈટી સમગ્ર વિવાદિત સોદાની ઝીણવટભરી તપાસ કરીને પોતાનો અહેવાલ કલેક્ટરને સુપરત કરશે, જેના આધારે જ કલેક્ટર દ્વારા આખરી ચુકાદો આપવામાં આવશે. જો તપાસમાં કોઈ પણ સોદો કાનૂની જોગવાઈઓ વિરુદ્ધ અથવા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હોવાનું સાબિત થશે, તો તે ટ્રાન્સફરને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.
આવા કિસ્સાઓમાં કાયદો વધુ કડક બનાવતા સરકારે જોગવાઈ કરી છે કે, ટ્રાન્સફર રદ થયા બાદ ખરીદનારે મિલકતનો પ્રત્યક્ષ કબજો મૂળ માલિકને પરત સોંપવાનો રહેશે. જ્યારે ખરીદનારે ચૂકવેલી તમામ રકમ તેને આગામી ૬ મહિનાની અંદર જ પરત ચૂકવી દેવાની રહેશે. સરકારના આ કડક કાનૂની આદેશને કારણે જમીન માફિયાઓ અને મિલકતોના ગેરકાયદેસર સોદા કરનારા તત્વો પર બહુ મોટી લગામ કસાશે અને પીડિત નાગરિકોના હિતોનું રક્ષણ થશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
