તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
ભૂગર્ભજળના આડેધડ દોહન સામે રાજ્ય સરકારનું કડક વલણ: 'ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ-2026' લાવવાની તૈયારી; પાણી હવે ખાનગી સંપત્તિ નહીં પણ જાહેર સંતતિ ગણાશે, ગેરકાયદે વપરાશ અને પ્રદૂષણ ફેલાવનારને ₹10 લાખ સુધીનો ભારી દંડ તથા જેલની કડક સજાની જોગવાઈ
વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક રજૂ થવાની શક્યતા: પીવાના પાણી અને ખેતીને પ્રથમ પ્રાથમિકતા અપાશે, ઔદ્યોગિક એકમો માટે પૂર્વ મંજૂરી અને વોટર ચાર્જ ફરજિયાત; રેન વોટર હાર્વેસ્ટિંગ વગર બિલ્ડિંગ પ્લાન પાસ નહીં થાય, દેખરેખ માટે નવી સ્ટેટ ઓથોરિટી રચાશે

ગાંધીનગર:ગુજરાતમાં સતત તળિયે જઈ રહેલા ભૂગર્ભજળના સ્તરને રોકવા અને જળ સંસાધનોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને કડક કાયદો લાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. આ હેતુસર સરકાર દ્વારા 'ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ-2026' નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે આગામી વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રસ્તાવિત વિધેયકની સૌથી મહત્વની બાબત એ છે કે હવે ભૂગર્ભજળને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખાનગી મિલકત ગણવાને બદલે તેને સામૂહિક જાહેર સંપત્તિ (Public Resource) તરીકે સ્વીકારવામાં આવશે.
નવા કાયદા મુજબ, ભૂગર્ભજળના ઉપયોગ માટે ચોક્કસ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલો અધિકાર પીવાના પાણી, ખેતીવાડી અને સામાન્ય આજીવિકા માટે રહેશે. ભૂગર્ભજળના ગેરકાયદેસર દોહન અને પ્રદૂષણને અટકાવવા માટે અત્યંત કડક દંડ અને જેલની સજાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પર્યાવરણિય રીતે સંવેદનશીલ એવા 'ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન'માં ગેરકાયદે રીતે પાણી ખેંચવા પર ₹10 લાખ સુધીનો દંડ અને જેલવાસ થઈ શકે છે. આ ઉપરાંત, ભૂગર્ભજળને પ્રદૂષિત કરનારાઓ સામે પણ ₹1 લાખ સુધીના દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.
રાજ્યભરમાં આ નિયમોના સુચારુ અમલીકરણ અને દેખરેખ માટે 'ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી'ની સ્થાપના કરવામાં આવશે. આ ઓથોરિટી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જળસ્તરની સ્થિતિ ચકાસીને નીતિઓ ઘડશે. આ ઉપરાંત, નવા બિલ્ડિંગ પ્લાનમાં 'રેન વોટર હાર્વેસ્ટિંગ' (વરસાદી પાણીના સંગ્રહ) અને વોટર રિસાયક્લિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. જો કન્સ્ટ્રક્શનમાં આ પ્લાન સામેલ નહીં હોય તો મંજૂરી મળશે નહીં, અને તેનું ઉલ્લંઘન કરનારને દંડ તેમજ જેલની સજાની જોગવાઈનો સામનો કરવો પડશે.
ઉદ્યોગો અને કોમર્શિયલ બલ્ક યુઝર્સ માટે ભૂગર્ભજળ ખેંચતા પહેલા ખાસ મંજૂરી લેવી પડશે અને તેમના પર 'વોટર ચાર્જ' વસૂલવામાં આવશે, જ્યારે ખેતી ક્ષેત્રને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉદ્યોગો પાસેથી એકત્ર થયેલી આ રકમનો ઉપયોગ વોટર રિચાર્જિંગ અને જળ સંરક્ષણની કામગીરીમાં જ કરવામાં આવશે. સંસ્થાકીય માળખાને મજબૂત કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ સમિતિઓ રચવામાં આવશે, જે પોતપોતાના વિસ્તાર માટે લોકલ 'ગ્રાઉન્ડવોટર સિક્યુરિટી પ્લાન' તૈયાર કરીને અમલમાં મૂકશે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
