<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારા અંગે રાજ્ય સરકારની નવી એડવાઇઝરી:પિતાનું નામ’ કોલમમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત

જન્મના દાખલામાં પિતાના નામની કોલમમાંથી જૈવિક પિતાનું નામ દૂર કરી તેના સ્થાને માતાનું નામ લખી શકાશે નહીં. જોકે, બાળકના સંપૂર્ણ નામમાં પિતાના બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે :પિતાની લેખિત સંમતિ અને જરૂરી દસ્તાવેજોના આધારે સુધારો થઈ શકશે

ગાંધીનગર :જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારા અંગે રાજ્ય સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જન્મના દાખલામાં પિતાના નામની કોલમમાંથી જૈવિક પિતાનું નામ દૂર કરી તેના સ્થાને માતાનું નામ લખી શકાશે નહીં. જોકે, બાળકના સંપૂર્ણ નામમાં પિતાના બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. માતા-પિતા સાથે રહેતા હોય તો પિતાની લેખિત સંમતિ અને જરૂરી દસ્તાવેજોના આધારે સુધારો થઈ શકશે.

 

છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા પાસે હોય તો કોર્ટના આદેશમાં સ્પષ્ટતા હશે ત્યારે માતાનું નામ અને અટક દાખલ કરી શકાશે. જન્મના પ્રમાણપત્રમાં પિતાનું નામ Middle Name તરીકે લખવું હવે ફરજિયાત નહીં. બાળક માત્ર પોતાનું નામ પણ રાખી શકશે; પિતાનું નામ અને અટક બંને વૈકલ્પિક રહેશે. મરણના પ્રમાણપત્રમાં પણ પિતા અથવા પતિનું નામ તેમજ અટક વૈકલ્પિક રહેશે.

 

પિતા અને બાળકની અટક અલગ રાખવા અથવા બાળકના નામમાં ફેરફાર માટે સરકારી ગેઝેટ, સુધારેલું ફોટો આઈડી અને અન્ય પ્રમાણિત દસ્તાવેજો જરૂરી રહેશે. આ તમામ સુધારા માટે હવે સોગંદનામું આપવાની જરૂર નહીં પડે. રાજ્ય સરકારે 25 નવેમ્બર 2025ની અગાઉની એડવાઇઝરી રદ કરીને નવી સ્પષ્ટતા જાહેર કરી. બાળકના નામમાં માતાનું નામ-અટક રાખી શકાય છે, પરંતુ પ્રમાણપત્રની અલગ ‘પિતાનું નામ’ કોલમમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત રહેશે.

 

(9:17 PM IST)