તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
નકલી દવાઓ અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે રાજ્ય સરકારની લાલ આંખ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે કડક કાર્યવાહીના આદેશ
ગાંધીનગર સચિવાલય ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા : ઓગસ્ટમાં ૫૦ દવા પેઢીઓના લાયસન્સ રદ, ૨ ને ક્લોઝર ઓર્ડર અને ૯૩ લાખથી વધુની કિંમતનો ૪૨,૯૮૮ કિલો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરાયો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ (FDCA) દ્વારા ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સામાન્ય જનતાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર તથા દવાઓ મળે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવી FSSAI-2006 ના નિયમો હેઠળ સમગ્ર રાજ્યમાં ઓચિંતી તપાસ અને કાનૂની કાર્યવાહી અવિરત ચાલુ રાખવા આદેશ અપાયા હતા.
૫૦ દવા પેઢીઓના પરવાના રદ, ૨ ને ક્લોઝર ઓર્ડર અને ૪૨ બ્લડ સેન્ટર્સની તપાસ:
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે FDCA ની સઘન તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતાં ૫૦ દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, ૮ ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા ૧૧ દવાઓના બનાવટના પરવાના રદ કરાયા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી ૨૦ દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૪૨ બ્લડ સ્ટોરેજ સેન્ટર્સની તપાસ કરી ૩ ને ક્લોઝર ઓર્ડર તથા ૧૨ ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા વિશેષ ઝુંબેશ ચલાવીને ૫૮૮ દવાના નમૂના લેવાયા હતા.
નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક પર ત્રાટકેલું તંત્ર: ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ:
નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે SOG સાથેની સંયુક્ત તપાસમાં મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદે વેચાતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. J.B. Chemicals ના નામે વેચાતી બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સ કેસમાં ૩૦થી વધુ સ્થળોએ દરોડા પાડી ૧.૭૫ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી આ સપ્લાય ચેઈનના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બિનઅધિકૃત કોસ્મેટિક્સ અને બાળકોની ગેરકાયદે દવાનું ઉત્પાદન ઝડપાયું:
અન્ય કાર્યવાહીમાં અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી ૨.૬૮ લાખથી વધુ કિંમતનો ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરાયો છે. સાથોસાથ કપડવંજ – ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી ‘નાના બાળકો માટે રતવાની દવા’નું ગેરકાયદે ઉત્પાદન ઝડપી પાડી ૬૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રૂ. ૯૩.૪૭ લાખની કિંમતનો ૪૨,૯૮૮ કિગ્રા શંકાસ્પદ ખાદ્યજથ્થો સીઝ કરાયો:
ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ૨,૨૩૮થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરી ૨,૫૯૧ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા હતા. દરોડા દરમિયાન કુલ ૯૩,૪૭,૧૩૪ની કિંમતનો ૪૨,૯૮૮ કિગ્રા શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરાયો હતો. જેમાં પાટણમાં ૧૪,૭૦૯ કિગ્રા તેલ અને ૬,૪૯૫ કિગ્રા ખાદ્ય તેલ, કામરેજ (સુરત) માં ૫,૧૫૭ કિગ્રા ઘી, જામનગરમાં ૭,૧૩૮ કિગ્રા દૂધ તેમજ ડીસા (બનાસકાંઠા) માં ૬,૦૭૧ કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો સીઝ કરાયો છે.
રેસ્ટોરન્ટ-ઢાબાઓનું નિરીક્ષણ અને ડેરી એનાલોગ સામે ઝુંબેશ:
રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા ૧,૬૨૫થી વધુ એકમોની તપાસ કરાઈ હતી, જેમાં ૩૦૬ એકમોને સુધારણા નોટિસ અને ગંભીર બેદરકારી બદલ ૩૮ એકમોના લાયસન્સ રદ કરાયા હતા. આ કામગીરી સુરત મનપા, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણામાં હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ સામે ૩,૦૭૮ પેઢીઓની તપાસ કરી ૧૪૫ શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને ૭,૫૪,૩૮૬ની કિંમતનો ૨,૫૫૩.૧૦ કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવાયો હતો.
મંત્રીશ્રીએ પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી વપરાશની ચીજો પર સતત વોચ રાખવા આદેશ આપ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદી મુજબ જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આ પ્રકારની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહેશે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
