<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

સરકારી પ્રતીકો અને નામોનો ખાનગી સંસ્થાઓ દ્વારા કરાતા દુરુપયોગ સામે રાજ્ય સરકાર લાલઘૂમ : કડક કાર્યવાહી હાથ ધરાશે

બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ખાનગી ઉપયોગ કરતા પૂર્વે કેન્દ્રની લેખિત અનુમતિ લેવી ફરજિયાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વ્યાપારિક લાભ ખાતર સરકારી નામો, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરવા માટે કાયદાકીય ઝુંબેશ શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને 'પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦'નું ચુસ્ત અમલીકરણ સુનિશ્ચિત કરવા આદેશો જારી કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના પરિપત્રના અનુસંધાને કડક આદેશો:
કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા પાઠવવામાં આવેલા પરિપત્રના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પરિપત્રમાં નોંધ્યું હતું કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવા નામો રાખી રહી છે જે સીધા સરકારી વિભાગો જેવા પ્રતીત થાય છે. ઘણી ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસ બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે, જેનાથી સામાન્ય નાગરિકો છેતરાઈને ખાનગી કામોને સરકારી સમજી નાણાં કે દસ્તાવેજો ગુમાવે છે.

પરવાનગી અને સ્પષ્ટતા અંગેના નિયમો:
નવી સૂચનાઓ મુજબ હવે કોઈ પણ ખાનગી સંસ્થા કે પેઢી કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત મંજૂરી વિના પોતાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. જો કોઈ ખાનગી કંપની કે સંસ્થાએ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય તો તેણે પોતાના નામની સાથે જ એવું સ્પષ્ટ કરવું પડશે કે આ એક "ખાનગી સાહસ" છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી.

નોંધણી કચેરીઓને કડક સ્ક્રીનિંગની સૂચના:
અધિનિયમ, ૧૯૫૦ અંતર્ગત કંપનીઓ કે ટ્રેડમાર્ક નોંધણી કરતી તમામ કચેરીઓ જેવી કે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ ડિપાર્ટમેન્ટને કડક સૂચના અપાઈ છે કે અરજીના સ્ક્રીનિંગ અને રજીસ્ટ્રેશન તબક્કે જ આવા ભ્રામક નામો ધરાવતી ફાઈલો ના મંજૂર કરી દેવી. જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય તો તે બાબત કેન્દ્ર સરકારના ધ્યાને મૂકવાની રહેશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય આખરી ગણાશે. આ બાબત રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી હોવાથી કાયદાનો અનાદર કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે.

(12:07 PM IST)