તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
દિલ્હીમાં કોળી સમાજનું ૧૨મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : રામનાથ કોવિંદ હાજરઃ કુંવરજીભાઈ અને હીરાભાઈ સોલંકી વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે બેઠક
તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલ મહાસંમેલનમાં હીરાભાઈ સોલંકી, કનુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત; સમાજમાં કોઈ મતભેદ નથી : હીરાભાઈ સોલંકીનુ નિવેદન

રાજકોટ, તા. રર : અખિલ ભારતીય કોળી સમાજનું ૧૨મું રાષ્ટ્રીય અધિવેશન ગઈકાલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભવ્ય રીતે યોજાયું. દેશભરમાંથી ૫૦૦૦થી વધુ પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં સમાજના વિકાસ માટે શિક્ષણ અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું. સાથે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમાજ સાથે કોઈ અન્યાય નહીં થાય અને સંગઠિત રીતે આગળ વધવું એ સમયની માંગ છે.
આ અધિવેશનની સૌથી ચર્ચિત બાબત રહી ગુજરાતના પ્રભાવશાળી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ગેરહાજરી. તેમની ગેરહાજરીને કારણે સમાજની અંદર અલગ વિચારધારાઓ અને નેતળત્વને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ. જોકે કુંવરજીભાઈ બાવળિયાએ અગાઉ જણાવ્યું હતું કે આગામી ૬ મહિના તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળશે અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરાવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાના નથી.
કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકી, કનુ પટેલ અને ઝંખના પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોળી સમાજમાં કોઈ પ્રકારનો મતભેદ નથી. અલગ કાર્યક્રમો યોજાવા છતાં હેતુ એક જ છે - સમાજને વધુ મજબૂત બનાવવાનો.
અધિવેશન પહેલા ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે સમાજના સંગઠન અને વિકાસ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન માળખાને મજબૂત કરવા અને શૈક્ષણિક-આર્થિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે હવેથી સમાજના સંગઠનમાં યુવાનો અને મહિલાઓને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારોને કાયમી સ્વરૂપ આપવા સમાજના બંધારણમાં જરૂરી બંધારણીય જોગવાઈઓ ઉમેરવા સહમતી સાધવામાં આવી છે. દેશભરના સમાજના બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પણ ભાર મૂકાયો.
કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં હાલ બે અલગ-અલગ અધિવેશનની સ્થિતિ સર્જાઈ હતી. એક ૧૪ જૂને કુંવરજીભાઈ બાવળિયાએ બોલાવ્યું હતું અને બીજું ૨૧ જૂને વીરેન્દ્ર કશ્યપે બોલાવ્યું હતું.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
