તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ટૂર કેન્સલ કરનાર 'થોમસ કુક' ને રાજ્ય ગ્રાહક કમિશનનો મોટો ફટકો: 2.42 લાખની ગેરકાયદેસર કપાત બદલ વળતર ચૂકવવા આદેશ
પ્રસ્થાનના માત્ર 4 કલાક પહેલા ટૂર રદ કરી ગ્રાહકના સપના તોડનારી કંપની પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ: ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતી ટ્રાવેલ્સ કંપનીઓ માટે લાલબત્તી સમાન ચુકાદો

અમદાવાદ : પ્રવાસન ક્ષેત્રની દિગ્ગજ કંપની 'થોમસ કુક ઈન્ડિયા લિમિટેડ' વિરુદ્ધ ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કંપની દ્વારા કેનેડા ટૂરના બુકિંગમાં ગ્રાહક પાસેથી મનસ્વી રીતે કાપી લેવામાં આવેલી લાખોની રકમને કમિશને ગેરકાયદેસર ઠેરવી છે. અમદાવાદ રૂરલ ડિસ્ટ્રિક્ટ કમિશનના અગાઉના હુકમને યથાવત રાખી રાજ્ય કમિશને કંપનીની અપીલ ફગાવી દીધી છે, જે હવે મનસ્વી શરતો થોપતી ટ્રાવેલ્સ કંપનીઓ માટે મોટી ચેતવણી સાબિત થશે.
શું હતી સમગ્ર ઘટના?
ફરિયાદી કુમારેશ કેદારનાથ ત્રિવેદીએ ફેબ્રુઆરી 2019માં પોતાના પરિવાર સાથે કેનેડા પ્રવાસ માટે થોમસ કુકમાં બુકિંગ કરાવ્યું હતું. ગ્રાહકે તમામ રકમ ચૂકવી હોવા છતાં, કંપનીની ઘોર બેદરકારીને કારણે વિઝા પ્રોસેસ સમયસર પૂરી થઈ શકી નહીં. પરિણામે, ફ્લાઈટના પ્રસ્થાનના માત્ર 4 કલાક પહેલા જ કંપનીએ આખી ટૂર રદ કરી નાખી હતી. ટૂર રદ થયા બાદ રિફંડ આપતી વખતે કંપનીએ કોઈ પણ આધાર વિના 2,42,652 રૂપિયાની અધધ રકમ કાપી લીધી હતી.
પુરાવા રજૂ કરવામાં કંપની રહી નિષ્ફળ
કાયદાકીય લડાઈ દરમિયાન કંપનીએ દલીલ કરી હતી કે આ રકમ હોટલ અને એરલાઈન્સના નોન-રિફંડેબલ ખર્ચ પેટે કાપવામાં આવી છે. જોકે, ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ કંપની પોતાનો પક્ષ સાબિત કરવા માટે એક પણ એર ટિકિટ કેન્સલેશનનું પ્રમાણપત્ર, હોટલ બિલ કે એડવાન્સ બુકિંગનો પુરાવો રજૂ કરી શકી નહોતી. રાજ્ય કમિશનના મેમ્બર પી.આર. શાહ અને પ્રિસાઈડિંગ મેમ્બર એ.સી. રાવલની બેન્ચે આ કૃત્યને 'સેવામાં ખામી' અને 'અયોગ્ય વ્યાપારી રીતરસમ' ગણાવી હતી.
કમિશનની કંપની પર લાલ આંખ
ચુકાદામાં કમિશને આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે, "150 વર્ષનો ઈતિહાસ ધરાવતી કંપની ગ્રાહક સેવાના દરેક તબક્કે નિષ્ફળ રહી છે. કોઈ પણ ગ્રાહક માત્ર પૈસા મેળવવા માટે કોર્ટના પગથિયાં નથી ચઢતો, પરંતુ એક મધ્યમવર્ગીય પરિવારે મહિનાઓની મહેનત બાદ આયોજિત કરેલી રજાઓ કંપનીની બેદરકારીના કારણે પ્રસ્થાનના દિવસે જ બરબાદ થઈ ગઈ હતી." કંપનીની એકતરફી શરતો ગ્રાહક પર બંધનકર્તા નથી તેમ જણાવી, કમિશને કંપનીને ગ્રાહકને ન્યાય અપાવવા માટે આદેશ આપ્યો છે. આ ચુકાદો પ્રવાસન કંપનીઓની મનમાની સામે સામાન્ય ગ્રાહકોની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
