News of Sunday, 6th September 2026
દાહોદમાં કાળિયા ઠાકર ગણપતિની આગમન યાત્રામાં રખડતા આખલાઓ ઘૂસી જતાં નાસભાગ : 7થી વધુ શ્રદ્ધાળુઓને ઇજા
આખલાઓના આક્રમક વલણને કારણે આગમન યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ

દાહોદ શહેરમાંથી એક ગંભીર અને અફરાતફરી મચાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં કાળિયા ઠાકર ગણપતિની આગમન યાત્રા દરમિયાન અચાનક રખડતા આખલાઓ ઘૂસી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અચાનક સર્જાયેલી નાસભાગ અને આખલાઓની અડફેટે આવવાથી 7થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળેલી માહિતી અનુસાર, કાળિયા ઠાકર ગણપતિની ભવ્ય આગમન યાત્રા જ્યારે દાહોદના APMC માર્કેટ ગેટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢોલ-નગારા અને ગુલાલની ઉડામણ વચ્ચે ગણેશજીના સ્વાગતમાં લીન હતા. આ દરમિયાન અચાનક જ બેકાબૂ બનેલા રખડતા આખલાઓ ભીડની વચ્ચે ઘૂસી ગયા હતા. આખલાઓના આક્રમક વલણને કારણે આગમન યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ હતી.
બેકાબૂ બનેલા આખલાઓની અડફેટે આવવાથી અને નાસભાગ દરમિયાન નીચે પડી જવાથી 7થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને 108 અને ખાનગી વાહનો મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય છવાયો હતો.
શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને કારણે આ ઘટના બનતા સ્થાનિક રહીશો અને ગણેશ મંડળોમાં પાલિકા તંત્ર સામે અતિશય રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક યાત્રાઓ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં રખડતા ઢોરને નિયંત્રિત કરવામાં સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા સત્વરે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી મોટી દુર્ઘટના ટાળી શકાય.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
