<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

૨૪૦૦ એક્‍સ્‍ટ્રા બસથી ૮૦૦૦ વધારાની ટ્રીપનું ST વિભાગનું આયોજન

પરિવાર સાથે રાજીખુશીથી મનાવી શકશો દિવાળી : સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ ૮૦૦૦થી વધુ ટ્રીપ દોડશે

અમદાવાદ તા.૨૩: નોકરી-ધંધા કે અભ્‍યાસ અથવા તો અન્‍ય કોઈ કારણસર પરિવારથી દૂર રહેતા ગુજરાતીઓ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર સાથે મનાવી શકે તેવા શુભ સમાચાર હાલ તંત્ર તરફથી સામે આવી રહ્યા છે. દિવાળીના પર્વ પર ઘરે જવા ઈચ્‍છતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા ગુજરાત એસ.ટી. નિગમે ૨૪૦૦ એક્‍સ્‍ટ્રા બસોનું વિશેષ સંચાલન કર્યું છે. સરકારના આયોજન મુજબ, દિવાળી દરમિયાન ૮,૦૦૦થી વધુ એક્‍સ્‍ટ્રા ટ્રીપ માટે આ ૨૪૦૦ વધારાની બસ સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ દોડશે. જે માટે અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્‍સ અને કરંટ ઓનલાઈન બુકિગની સુવિધા પણ ઉપલબ્‍ધ રહેશે તેવી માહિતી હાલ તંત્ર તરફથી સામે આવી રહી છે.

ગુજરાત રાજ્‍યમાં વિવિધ તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવારો ઉજવી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા હંમેશાં લોકઉપયોગી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્‍યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા સુરત સહિત રાજ્‍યના અન્‍ય તમામ જિલ્‍લાઓમાંથી કુલ ૨૪૦૦ જેટલી એક્‍સ્‍ટ્રા બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે.

દિવાળી નિમિત્તે આગામી તા. ૪થી ૭ નવેમ્‍બર સુધી નિયમિત બસ સેવાઓ ઉપરાંત એક્‍સ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે. આ વધારાની બસો દ્વારા ૮,૦૦૦થી વધુ એક્‍સ્‍ટ્રા ટ્રીપોનું આયોજન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતા મુસાફરોને તેમના ગંતવ્‍ય સ્‍થાને સુરક્ષિત પહોંચાડવામાં આવશે. ખાસ કરીને સુરતમાં સ્‍થાયી થયેલા સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્‍લાના રત્‍નકલાકારો તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકો માટે આ વ્‍યવસ્‍થા અત્‍યંત રાહતરૂપ સાબિત થશે.

મુસાફરો આ એક્‍સ્‍ટ્રા બસોની સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિગમની વિભાગીય કચેરીના ડેપો પરથી તેમજ અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્‍સ અને કરંટ ઓનલાઈન બુકિગની સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરો સંચાલન સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે તેવી માહિતી તંત્ર તરફથી મળી રહી છે.

(10:15 AM IST)