<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરનો રૂ. ૧૩.૦૨ કરોડના ખર્ચે થશે દ્વિતીય તબક્કાનો વિકાસ: ધાર્મિક પ્રવાસનને મળશે નવો વેગ

​નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેઝ-૨ માટે આપી મંજૂરી: મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન અને નવી ધર્મશાળાનું નિર્માણ કરાશે

​ગાંધીનગર : ​આદિવાસી સમાજની અપાર આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિર પરિસરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોની શ્રેણીમાં હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફેઝ-૨ હેઠળ રૂ. ૧૩.૦૨ કરોડના નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
​અગાઉ ફેઝ-૧ હેઠળ રૂ. ૧૧.૩૩ કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો હતો, જેમાં ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, ભવ્ય પથ્થરનું પ્રવેશદ્વાર, પાર્કિંગ, પાથવે તથા સ્થાનિક વેપારીઓ માટે ૨૯૫ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓને કારણે દેવમોગરા આવતા લાખો યાત્રાળુઓની સુગમતામાં નોંધપાત્ર વધારો થયો હતો.
​હવે મંજૂર કરાયેલા ફેઝ-૨ અંતર્ગત યાત્રાધામના વાતાવરણને વધુ સુવિધાસભર બનાવવા માટે:
​ગર્ભગૃહનું રિનોવેશન: શ્રી યાહામોગી માતાજી મંદિરના મૂળ ગર્ભગૃહનું નવેસરથી રિનોવેશન હાથ ધરાશે.
​નવી ધર્મશાળા: ટ્રસ્ટની નિશ્ચિત જગ્યામાં યાત્રાળુઓના રોકાણ માટે આધુનિક ધર્મશાળા નિર્માણ પામશે.
​સ્વચ્છતા સુવિધા: પ્રવાસીઓ માટે બે નવા આધુનિક ટોઇલેટ બ્લોક તૈયાર કરવામાં આવશે.
​આ દ્વિતીય તબક્કાના પ્રકલ્પથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, દર્શન અને સ્વચ્છતાની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારમાં ધાર્મિક પ્રવાસન વિકસવાથી સ્થાનિક સ્તરે રોજગારીના નવા અવસરો ઊભા થશે અને વિસ્તારની આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટું પ્રોત્સાહન મળશે.

(12:34 PM IST)