તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ખેલૈયાઓ સાવધાન : ગરબા રમવાના મફત પાસ મેળવવા જતાં સાયબર ફ્રોડ થવાની ભીતિ
સાયબર ગઠિયા માલવેર વાયરસવાળી લિન્ક બનાવીને ફ્રી પાસની જાહેરાત અને બલ્ક મેસેજનો ઉપયોગ કરી ઠગે છે

અમદાવાદ, તા. ૧પ : મા અંબા... નવદુર્ગા... આદ્યશક્તિનો તહેવાર એટલે નવરાત્રિ. આગામી મહિને નવરાત્રિ આવી રહી છે ત્યારે ગરબે ઘુમવાના શોખીન ખેલૈયાઓએ મફતમાં પાસની લાલચમાં આવતા પહેલા સતર્ક થઈ જવાની જરૂર છે. કારણ કે, છેલ્લી બે નવરાત્રિથી પોલીસ ચોપડે સાયબર ઠગાઈના ગુના નોંધાતા આવ્યા છે. જેમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબાના પાસ મફતમાં મેળવવા માટે લોકો જોયા-જાણ્યા વગર ઓનલાઈન પાસની લિન્ક પર ક્લિક કરી બેસતા હોય છે અને અંતે એકાઉન્ટમાં રહેલા તમામ રૂપિયા ગણતરીની મિનિટોમાં જતા રહેતા હોય છે. તેવામાં ફરી એક વખત સાયબર એજન્સી દ્વારા શહેરીજનોને સતર્કતા સાથે ગરબા રમવાની સલાહની સાથે જ મફતમાં મળતા પાસની પળોજણમાં પડતા પહેલા વિચાર કરવાનું જણાવાયું છે. કારણ કે, સાયબર ઠગો તહેવારના સમયગાળામાં માલવેર વાયરસવાળી લિન્ક બનાવીને નવરાત્રિના ફ્રી પાસની જાહેરાત અને બલ્ક મેસેજીસનો ઉપયોગ કરીને લોકોને ઠગવાનું શરૂ કરી દેતા હોય છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
આજના ટેકનોલોજીના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં સાયબર માફિયાઓ પણ ઠગાઈની નીતનવી મોડેસ ઓપરેન્ડી સાથે લોકોને ઠગવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં મોંઘાદાટ ગરબા આયોજકોના પાસ મેળવવા માટે યુવાનો એડીચોટીનું જોર લગાડી દેતા હોય છે અને આ લાલચમાં આવીને યુવાનો સાયબર ઠગોની જાળમાં સપડાઈ જતા હોય છે અને આર્થિક નુકસાની વેઠવાની નોબત આવીને ઊભી રહે છે. ચોક્કસ તહેવાર અને ઉજવણીના દિવસોમાં સાયબર ઠગો વધુ એક્ટિવ થઇ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી નવરાત્રિના તહેવારમાં યુવાનો પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થતા ગરબાના મફત પાસ મેળવવા માટે હવાતિયાં મારતા હોય છે. તેવા સમયે સાયબર માફિયાઓ પણ એક્ટિવ થઇ જાય છે. બલ્ક મેસેજ અને ઓનલાઈન પાસ માટેની માલવેર વાયરસ વાળી લિન્ક મોકલીને ઠગાઈ આચરતા હોવાના બનાવ ગત વર્ષે પણ ધ્યાનમાં આવી ચૂકયા હતા ત્યારે આ નવરાત્રિમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવવાની ભીતિ સાયબર એજન્સીઓએ વ્યક્તિ કરીને ખેલૈયાઓને સાવચેત રહેવાની સલાહ આપી છે.
ભ્રામક મેસેજો અને ખોટી જાહેરાતમાં સપડાઈ જતા ઠગાઈ : અમદાવાદના સૌથી મોંઘાદાટ ગરબા સફેદ પરીંદેના પાસ મેળવવા માટેની માથાકૂટ મામલે ગત વર્ષે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ ચૂકી હતી. તેવી જ રીતે ઘણાખરા કિસ્સાઓમાં ટેટુ કરાવશો તો ગરબાના પાસ મફતમાં મળશે તેવા ભ્રામક મેસેજો મોકલીને ઠગાઈ આચરવામાં આવતી હોવાના કિસ્સાઓ ધ્યાને આવી ચૂકયા છે. આવા પ્રકારની અનેક જાહેરાતોમાં ભોળવીને સાયબર માફિયાઓ ઠગાઈ આચરતા હોય છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
