<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રફ્તારનો કહેર : બેકાબુ કાર ચાલકે અનેક વાહનોને ઉલાળ્યા :ટોળાએ કારના કાચ તોડી રોષ ઠાલવ્યો

પ્રત્યક્ષદર્શીઓ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ:અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી:પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી f

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. એક બેદરકાર કાર ચાલકે રસ્તા પર કાળ બનીને પોતાની ગાડી દોડાવી હતી અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે રાહતની વાત એ છે કે આ ભીષણ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ અકસ્માત પર્વત પાટિયા જેવા ગીચ વિસ્તારમાં સર્જાયો હતો. જ્યાં કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી આ કારે રસ્તાના કિનારે ઉભેલા તેમજ પસાર થઈ રહેલા અન્ય વાહનોને એક પછી એક અડફેટે લેવાનું શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં કેટલાક વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના અવાજ અને બૂમાબૂમ સાંભળીને ઘટનાસ્થળે લોકોના ધાડેધાડા ઉતરી આવ્યા હતા.

 

 

અકસ્માત નજરે જોનારા સ્થાનિક લોકો અને રાહદારીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોનું વિફરેલું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. આક્રોશમાં ભરાયેલા લોકોએ તાત્કાલિક કારને ઘેરી લીધી હતી. લોકોએ કારના કાચ પર પથ્થરો અને લાકડીઓ મારીને કાચ તોડી નાખ્યા હતા. સમગ્ર વાહનને ભારે નુકસાન પહોંચાડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સમયે ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

 

 

ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કારની અંદર બેઠેલા ચાલક પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોના ટોળાને પોતાની તરફ ધસી આવતા જોઈને કાર ચાલક ગભરાઈ ગયો હતો. કારચાલકે કઈ પણ વિચાર્યા વગર ભીડ વચ્ચેથી બેદરકારી પૂર્વક કાર હંકારીને ત્યાંથી ભાગ્યો હતો. તે પૂરપાટ ઝડપે પોતાની ક્ષતિગ્રસ્ત કાર હંકારીને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. આ જ કારણે તેણે આટલી જોખમી રીતે ડ્રાઇવિંગ કરીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

 

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની ઓળખ મેળવવા અને તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સદનસીબે આ આખી ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જેથી એક મોટી દુર્ઘટના ટળી છે. પોલીસે વાહન માલિક અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, અમદાવાદના નિકોલમાં નશામાં ચૂર કારચાલક વિરલ ચૌધરીએ થોડા દિવસ પહેલા જ અકસ્માત કર્યો હતો. નબીરાએ SUV કાર ચઢાવી દેતા 3 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ તેની કારમાંથી બિયરના કેન પણ મળી આવ્યા હતા. મહત્વનું છે કે, નિકોલમાં શેલ્બી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જતા રોડ પર દેવસ્ય સ્કૂલ પાસે આ અકસ્માત થયો હતો.

તો નિકોલની ઘટનાના 2-3 દિવસ પછી જ અમદાવાદમાં જ ફરી એક બીજી આવી જ ઘટના ઘટી. જેમાં એક્સિસ બેંક મેનેજર પણ દારૂના નશામાં સુધબૂધ ખોઈ બેસ્યો હતો. ગુરુકુળ રોડ પર Axis Bank ના મેનેજર મિહિર શર્માએ દારૂના નશામાં એક્ટિવાને અડફેટે લઈને દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી ઢસડ્યું હતું. 21 કિલોમીટર સુધી નશામાં કાર હંકારી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

(1:33 PM IST)