તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના પૂરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની ધારાસભ્ય હાર્દિક પટેલની મુખ્યમંત્રીને રજૂઆત

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખી વિરમગામના ધારાસભ્ય હાર્દિક ભરતભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે અનેક ગામોમાં ઘરો, દુકાનો, ખેતરો અને જાહેર મિલકતોમાં પાણી ફરી વળતાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે, જ્યારે ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના અંદાજે 500થી વધુ પરિવારોને ઘરવખરી, મકાન અને પશુપાલન સંબંધિત સહાયની તાત્કાલિક જરૂરિયાત છે. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરી વર્તમાન જોગવાઈઓ ઉપરાંત વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્ય સરકારને માનવતાના ધોરણે ઝડપી નિર્ણય લઈ અસરગ્રસ્ત પરિવારોને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે, જેથી પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી શકે અને જનજીવન ફરીથી સામાન્ય બની શકે.
ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ નીચેના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે:
* પાણી ભરાવાને કારણે પાક અને જમીનને થયેલા નુકસાન બદલ ખેડૂતોને પ્રતિ હેક્ટર યોગ્ય વળતર તેમજ કૃષિ સહાય આપવામાં આવે.
* નાના વેપારીઓ અને લારી-ગલ્લાધારકોને દુકાનો તથા વ્યવસાયિક એકમોમાં થયેલા નુકસાન બદલ વ્યાજમુક્ત અથવા રાહત દરે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવે.
* અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ, જંતુનાશક દવાઓનો છંટકાવ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતા અભિયાન તાત્કાલિક હાથ ધરવામાં આવે.
* નુકસાનગ્રસ્ત રસ્તાઓ, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા સહિત અન્ય જાહેર સુવિધાઓને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
