તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
રાજ્યભરના ૫૬ એસ.ટી. બસ સ્ટેશનોમાં 'ટોયલેટ બ્લોક અપગ્રેડેશન' માટે ખાસ ઝુંબેશ : મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જુઓ વિડીયો
આગામી ૮ થી ૧૨ મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે : ફરિયાદો માટે ક્યુઆર કોડ આધારિત 'મુસાફર સેવા સેતુ' એપ કાર્યરત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક પાયાની સગવડો પૂરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક મહત્વપૂર્ણ વિશેષ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન નાગરિકોને સ્વચ્છતા અને સુવિધાઓ બાબતે કોઈ અગવડ ન પડે તે હેતુથી રાજ્યના ૫૬ બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોક્સનું રીન્યુએશન અને રિપેરીંગ કરવાનું આયોજન હાથ ધરાયું છે.
એસ.ટી. નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા સહિત કુલ ૬ બસ સ્ટેશનો પર સમારકામ પૂર્ણ કરી દેવાયું છે. આ ઉપરાંત ૧૭ બસ સ્ટેશનો પર કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જ્યારે બાકીના ૩૩ બસ સ્ટેશનો પર આગામી ૮ થી ૧૨ મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરી દેવાનું નિગમનું આયોજન છે. અગાઉ કરાયેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવેલા 'બસ સ્ટેશન બેઝીક ફેસીલીટી અપગ્રેડેશન પ્લાન' મુજબ લાંબા અંતરના મુસાફરો, મહિલાઓ અને વડીલો માટે સ્વચ્છતાની સુનિશ્ચિતતા કરવામાં આવશે.
આ આધુનિકીકરણ ડ્રાઇવ હેઠળ ટોયલેટ બ્લોક્સમાં પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, આકર્ષક ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, મજબૂત ડ્રેનેજ સિસ્ટમ અને કલરકામ જેવી કામગીરી કરાશે. મહિલા મુસાફરોની સુવિધા માટે સ્થળની સ્થિતિ મુજબ અંદાજિત ૨૫ યુરિનલ્સ, ૨૦ જનરલ ડબલ્યુ.સી. અને ૨૫ જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવામાં આવશે.
આ ઉપરાંત મુસાફરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્વચ્છતા સંબંધિત ફરિયાદો રીઅલ-ટાઇમમાં નોંધાવી શકે તે માટે તમામ બસ સ્ટેશનો પર ક્યુઆર કોડ આધારિત "મુસાફર સેવા સેતુ" એપ્લિકેશન પણ કાર્યરત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુસાફરોને ઉત્તમ અને સ્વચ્છ સુવિધાઓ આપવી એ જ સરકારની પ્રાથમિકતા છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
