<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

દાહોદમાં ‘સ્‍પેશિયલ ૨૬' જેવી ઠગાઈઃ નકલી બેંક ઉભી કરી જ્‍વેલર્સ પાસેથી રૂ.૨૮.૬૦ લાખનું ૨૦૦ ગ્રામ સોનું લઈને આરોપી ફરાર

દાહોદ શહેરમાં બોલિવૂડ ફિલ્‍મ સ્‍પેશિયલ ૨૬ની યાદ અપાવે તેવી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી

 

દાહોદ,તા.૧૮: દાહોદ શહેરમાં બોલિવૂડ ફિલ્‍મ સ્‍પેશિયલ ૨૬ની યાદ અપાવે તેવી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીએ ભાડે મકાન રાખીને નકલી બેંક શરૂ કરી અને જ્‍વેલર્સને વિશ્વાસમાં લઈને અંદાજે ૨૦૦ ગ્રામ સોનું પડાવી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી છે. ફિલ્‍મોની કહાનીને ટક્કર મારે તેવી છેતરપિડીનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. ઠગ ટોળકીએ ભાડે ઓફિસ લઈને માત્ર ૯ કલાકમાં નકલી બેંકનું સંપૂર્ણ સેટઅપ તૈયાર કર્યું, ભરતી માટે ઇન્‍ટરવ્‍યૂ ગોઠવ્‍યા અને ત્‍યારબાદ રથયાત્રામાં સોનું દાન કરવાના બહાને જ્‍વેલરને બોલાવી રૂ. ૨૮.૬૦ લાખના ૨૦૦ ગ્રામ સોનાના બિસ્‍કિટ લઈને ફરાર થઈ ગઈ. સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ ભાડે લીધેલા મકાનમાં ઉત્‍કર્ષ સ્‍મોલ ફાઈનાન્‍સ બેંકના નામે નકલી શાખા તૈયાર કરી હતી. બેંક સંપૂર્ણપણે અસલી લાગે તે માટે ઓફિસનું સેટઅપ, સ્‍ટાફ અને અન્‍ય વ્‍યવસ્‍થાઓ પણ ગોઠવવામાં આવી હતી.

રથયાત્રામાં સોનું દાન કરવાનું કહી વિશ્વાસ જીત્‍યો - પોલીસ ફરિયાદ મુજબ, ૧૫ જુલાઈએ દાહોદના નેતાજી બજાર સ્‍થિત મહાવીર જવેલર્સ ખાતે એક વ્‍યક્‍તિ આવ્‍યો હતો. તેણે રથયાત્રામાં સોનું દાન કરવાનું હોવાનું કહી પોતાનો મેનેજર સંપર્ક કરશે તેમ જણાવ્‍યું હતું. બીજા દિવસે ફોન કરીને જવેલર્સને ગોધરા રોડ પર આવેલી લેન્‍ડમાર્ક બિલ્‍ડિંગના ત્રીજા માળે બનાવાયેલી કથિત 'ઉત્‍કર્ષ સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક'માં ૨૦૦ ગ્રામ સોનું લઈને આવવાનું કહેવામાં આવ્‍યું હતું.

લોકરમાંથી રૂપિયા લાવવાના બહાને થયો ફરાર - મહાવીર જવેલર્સના પ્રતિનિધિ જય રાકેશકુમાર ગાંધી ૧૦ ગ્રામ અને ૫૦ ગ્રામના મળી કુલ ૨૦૦ ગ્રામ સોનાના બિસ્‍કિટ સાથે બેંક પહોંચ્‍યા હતા. ઠગે સોનાના બિસ્‍કિટ લઈને લોકરમાંથી રૂપિયા લાવવાનું કહી એક લોક કરેલી બેગ બતાવી હતી. ત્‍યારબાદ બાકીની રકમ નાની ચલણી નોટોમાં હોવાનું કહી ફરી અંદર ગયો અને પહેલેથી તૈયાર કરાયેલા બીજા દરવાજા મારફતે નીચે ઉતરી બાઈક પર ફરાર થઈ ગયો.

માત્ર ૯ કલાકમાં ઊભી કરી દીધી નકલી બેંક - પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે આરોપી સુમિત ૧૩ જુલાઈએ દાહોદ આવ્‍યો હતો. તેણે લેન્‍ડમાર્ક બિલ્‍ડિંગમાં ત્રણ દુકાનો ભાડે લીધી હતી અને એક વર્ષનું એડવાન્‍સ ભાડું ચેકથી ચૂકવી માલિકનો વિશ્વાસ જીત્‍યો હતો. ત્‍યારબાદ ફર્નિચર, કોમ્‍પ્‍યુટર, પંખા, લાઇટ સહિતનો સામાન પણ ચેકથી ખરીદ્યો અને મજૂરોની મદદથી માત્ર નવ કલાકમાં આખી બેંકનો દેખાવ તૈયાર કરી દીધો હતો. રથયાત્રાના દિવસે બેંકોમાં રજા હોવાથી આપેલા ચેક ક્‍લિયર થયા નહોતા. આ સમયગાળામાં ઠગ ટોળકીએ પોતાની યોજના અમલમાં મૂકી હતી.

ઇન્‍ટરવ્‍યૂના બહાને નકલી સ્‍ટાફ બેસાડ્‍યો - કોઈને શંકા ન જાય તે માટે ઠગ ટોળકીએ બેંકમાં ભરતી માટે ઇન્‍ટરવ્‍યૂ પણ ગોઠવ્‍યા હતા. મહિલા અને પુરુષ મળી લગભગ ૧૦ ઉમેદવારોને કોમ્‍પ્‍યુટરની સામે બેસાડવામાં આવ્‍યા હતા. જ્‍યારે જવેલર્સ બેંકમાં પહોંચ્‍યા ત્‍યારે તેમણે આ ઉમેદવારોને જ બેંકના કર્મચારીઓ સમજી લીધા અને ઠગ ટોળકીની ચાલમાં ફસાઈ ગઈ.

આરોપીએ વિશ્વસનીયતા ઉભી કરવા માટે બેંકમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાનું દર્શાવી ઈન્‍ટરવ્‍યૂ માટે મહિલા અને પુરુષ ઉમેદવારોને બોલાવ્‍યા હતા. બાદમાં તે જ ઉમેદવારોને બેંકના સ્‍ટાફ તરીકે રજૂ કરીને સમગ્ર ઘટનાને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઈન્‍ટરવ્‍યૂ ચાલી રહ્યો હતો તે જ દિવસે આરોપીએ એક જ્‍વેલર્સને બેંકમાં બોલાવી સોનાના વ્‍યવહારના બહાને અંદાજે ૨૦૦ ગ્રામ સોનું પોતાના કબજામાં લીધું હતું. ત્‍યારબાદ તક મળતાં જ આરોપી બેંકના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ દાહોદ A-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે બે શખ્‍સો સામે છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ, ભાડાના મકાનની વિગતો અને અન્‍ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

આ સમગ્ર બનાવે દાહોદમાં સુરક્ષા અને વિશ્વાસના પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે વેપારીઓ અને નાગરિકોને કોઈપણ નાણાકીય વ્‍યવહાર કરતા પહેલાં સંસ્‍થાની સત્તાવાર ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવાની અપીલ કરી છે.

(11:09 AM IST)