<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરતના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં આવેલા ભટલાઈ ગામમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેવા જેવી સામાન્ય બાબતમાં ૭૧ વર્ષીય નગીનભાઈ વનમાળીભાઈ પટેલની હથોડીના ઘા ઝીંકીને હત્યા

બે શખ્સોએ વૃદ્ધને પકડી રાખ્યા, ત્રીજાએ માથામાં હથોડી ફટકારી : બચાવવા આવેલા યુવક ઉપર પણ હુમલો : પશ્ચિમ બંગાળના ત્રણ આરોપીઓ ઝડપાયા: સુરતના ભટલાઈ ગામમાં નજીવી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું : હત્યા બાદ મૃતદેહને રૂમમાં પૂરી તાળું મારી આરોપીઓ ફરાર : શહેર છોડે તે પહેલાં પોલીસે ત્રણેયને ઝડપી લીધા

સુરત,:  સુરતના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં આવેલા ભટલાઈ ગામમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેવા જેવી સામાન્ય બાબતમાં ૭૧ વર્ષીય વૃદ્ધની હથોડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. ભટલાઈ ગામના પટેલ ફળિયામાં રહેતા નગીનભાઈ વનમાળીભાઈ પટેલની તેમના ઘરની નજીક ભાડાની ખોલીમાં રહેતા ત્રણ શખ્સોએ હત્યા કરી હોવાનો આરોપ છે. આ ઘટનામાં વૃદ્ધને બચાવવા આવેલા અન્ય એક વ્યક્તિ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નગીનભાઈના રહેણાંકની બાજુમાં આવેલી તરુણભાઈની ખોલીમાં ભાડેથી રહેતા કેટલાક લોકો ઊંચા અવાજે સ્પીકર વગાડી રહ્યા હતા. અવાજથી પરેશાન થયેલા નગીનભાઈએ તેમને સ્પીકરનો અવાજ ધીમો રાખવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ત્રણેય આરોપીઓ પૈકી બે શખ્સોએ નગીનભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે ત્રીજા શખ્સે હથોડી વડે તેમના માથાના ભાગે ઘા માર્યા હતા. ગંભીર ઈજાના કારણે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન નગીનભાઈને બચાવવા વચ્ચે પડેલા પ્રબીર કુલ્ડી નામના વ્યક્તિ ઉપર પણ હથોડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથા અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

વધુ ચોંકાવનારી બાબત એ છે કે, હત્યા કર્યા બાદ આરોપીઓએ નગીનભાઈનો મૃતદેહ રૂમમાં જ રાખીને બહારથી તાળું મારી દીધું હતું અને ત્યારબાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં ઇચ્છાપોર પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓ સુરત શહેર છોડી નાસી જાય તે પહેલાં જ ત્રણેયને પકડી પાડ્યા હતા. બે આરોપીઓને ઇચ્છાપોર વિસ્તારમાંથી અને ત્રીજાને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં સુવેન્દુ ગણેશ હોનાગા (ઉં.વ. ૨૬), શંકરસિંગ સીબુસિંગ (ઉં.વ. ૩૪) અને સંતુ ઉર્ફે સુપ્રિયો નરૂગોપાલ હોનાગા (ઉં.વ. ૨૬)નો સમાવેશ થાય છે. ત્રણેય મૂળ પશ્ચિમ બંગાળના વતની હોવાનું અને સુરતના ઇચ્છાપોર તથા હજીરા વિસ્તારની કંપનીઓમાં મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે મૃતકની પુત્રવધૂ મનીષા પટેલે ફરિયાદ નોંધાવતાં ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્પીકરનો અવાજ ઘટાડવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધનો જીવ લેવાયો હોવાની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.

(1:10 AM IST)