તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
દક્ષિણ ગુજરાત પર મેઘપ્રલયઃ ઉમરગામમાં સાડા પાંત્રીસ ઇંચથી વધુ વરસાદ: વલસાડ જિલ્લો જળબંબોળ
મધુબન ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા દમણગંગા ગાંડીતૂર : મુંબઈ અને પરાંમાં પણ ધોધમાર વરસાદની અવિરત ધમાકેદાર બેટિંગ ચાલુ: તાનસા છલકાતાં મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ સંગ્રહ ૬૨ ટકા સુધી પહોંચ્યો

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ વિનાશક સ્વરૂપ ધારણ કરતાં વલસાડ, નવસારી, ડાંગ, વાપી, તાપી અને સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાના અનેક વિસ્તારો જળબંબોળ બન્યા છે. સવારે આઠ વાગ્યે ઉપલબ્ધ તાલુકાવાર પ્રાથમિક નોંધ મુજબ ઉમરગામમાં ૩૫.૬૭ ઇંચ, કપરાડામાં ૨૮.૭૮ ઇંચ, નાનાપોંઢામાં ૨૫.૩૧ ઇંચ, ધરમપુરમાં ૧૯.૬૫ ઇંચ, પારડીમાં ૧૭.૬૪ ઇંચ, વાપીમાં ૧૬.૨૬ ઇંચ અને વલસાડમાં ૧૫.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે પણ વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ નોંધાયાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
વાંસદામાં સાડા સત્તર ઇંચ, ડોલવણ અને વઘઈમાં પંદર ઇંચ, ખેરગામમાં સાડા ચૌદ ઇંચ તથા વાલોડ અને ઉમરપાડામાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના પ્રાથમિક અહેવાલ છે.
વલસાડ શહેરના દાણા બજાર, તિથલ રોડ અને નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં જનજીવન ઠપ બન્યું છે. અનેક આંતરિક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે અને વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે.
મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક સતત વધતાં ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં તબક્કાવાર મોટાપાયે પાણી છોડાયું છે. દમણ વહીવટીતંત્રએ રાત્રે આશરે એક લાખ ક્યુસેક સુધી છોડાણની સત્તાવાર ચેતવણી આપી હતી, જ્યારે સવારના સ્થાનિક અહેવાલોમાં છોડાણ દોઢ લાખ ક્યુસેક સુધી વધ્યાનું જણાવાયું છે.
દમણગંગા ઉફાન પર આવતાં વાપી, દમણ, સેલવાસ અને નદીકાંઠાનાં ગામોને સતર્ક કરાયાં છે.
ખાનગી બસના છ મહિલાઓ, સાત પુરુષો અને ત્રણ બાળકો સહિત તમામ સોળ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
વલસાડના ગટર શુદ્ધિકરણ કેન્દ્રમાં ફસાયેલા ત્રણ કામદારોનું પણ બચાવ અભિયાન હાથ ધરાયું હતું.
દાદરા નગર હવેલીના તલાવલી અને તોટાડ ગામમાંથી બત્રીસ લોકોને ઉગારી લેવાયા છે. પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે પાટાનું ધોવાણ થતાં મુંબઈ અમદાવાદ માર્ગની પાંચ ટ્રેનો રદ કરાઈ છે તથા અન્ય ટ્રેનોના માર્ગ બદલાયા છે.
મુંબઈ અને પરા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે, જ્યારે પાલઘરમાં અત્યંત ભારે વરસાદની ચેતવણીને પગલે શાળા અને મહાવિદ્યાલયોમાં રજા જાહેર કરાઈ છે.
તાનસા જળાશય છલકાતાં મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ સંગ્રહ ૬૨ ટકા સુધી પહોંચ્યો છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
