<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગાંધીનગરમાં દક્ષિણ એશિયાની પ્રથમ ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવની પ્રેરક ઉપસ્થિતિ

​૬૬ દેશોના બે હજારથી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા : ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમી ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થશે અને ૧ કરોડ રોજગારીનું સર્જન થશે

અશ્વિન વ્યાસ દ્વારા, ​ગાંધીનગર : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં સર્વપ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬'ની ૧૦મી આવૃત્તિનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી યોજાનારા આ ચાર દિવસીય વૈશ્વિક ફોરમમાં ૬૬ દેશોના ૨,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે. નેતાઓ દ્વારા ગ્રીન ઇનોવેશન્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને દર્શાવતા ૧૨૫થી વધુ સ્ટોલ્સ ધરાવતાં 'સર્ક્યુલરિટી એક્સ્પો'નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

​મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સંદેશ:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, પરંતુ ગ્રોથ સાથે ગ્રીનરી અને ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી અનિવાર્ય છે. તેમણે સોમનાથ મંદિરનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જળાભિષેકના પવિત્ર પ્રવાહીને શુદ્ધ કરીને 'સોમ-ગંગા જળ' તરીકે વાપરવું અને નિર્માલ્ય તથા ભોજનના જૈવિક કચરામાંથી ખાતર બનાવવું એ સર્ક્યુલર ઇકોનોમીનું શ્રેષ્ઠ મોડલ છે. 'વેસ્ટ ટુ વેલ્થ'નો અભિગમ માત્ર કચરા વ્યવસ્થાપન પૂરતો સીમિત ન રહેતાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ આપે છે. WCEF-૨૦૨૬ ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વૈશ્વિક મોડલ્સમાંથી શીખવાની ઉત્તમ તક પૂરી પાડે છે.

​કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવનું વક્તવ્ય:
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે ઉમેર્યું કે સર્ક્યુલર ઇકોનોમી એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલીનો અભિન્ન ભાગ રહ્યો છે, જ્યાં વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગનો સદીઓ જૂનો વિવેક છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, બેટરી અને સ્ક્રેપ માટે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) જેવી વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. સર્ક્યુલર ઇકોનોમીની સાચી સફળતા કેટલો કચરો રિસાયકલ કર્યો તેના કરતાં આવનારી પેઢી માટે કેટલાં સંસાધનો બચાવ્યા તેમાં રહેલી છે.

​આર્થિક સંભાવનાઓ અને વૈશ્વિક સહયોગ:
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ માહિતી આપી હતી કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમી ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થશે અને લગભગ ૧ કરોડ નવી રોજગારીની તકો ઊભી થશે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ૧,૨૪૨ રિસાયક્લિંગ સુવિધાઓ, ૪૧ ઈ-વેસ્ટ રિસાયકલર્સ અને ૧૯ કોર પ્રોસેસિંગ યુનિટ્સ કાર્યરત છે, જેના દ્વારા ગત વર્ષે ૬૩ ટકા કચરાનું રિસાયક્લિંગ કરાયું હતું.

​આ કાર્યક્રમમાં નેધરલેન્ડના ઈકોનોમિક અફેર્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મરિકી સ્પાઈકરબોર, ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કી અને કેન્દ્રીય પર્યાવરણ સચિવ તન્મય કુમારે વક્તવ્ય આપ્યા હતા. CPCB ના ચેરમેન ડૉ. અમનદીપ ગર્ગે આભારવિધિ આટોપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ અને GPCB ના અધ્યક્ષ આર.બી.બારડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 PM IST)