તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
સુરતમાં મહિલા ક્લાર્કનો પુત્ર 30 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલરે બિલ પાસ કરવા લાંચ માંગી: વડોદરા એસીબીએ લાંચના નાણાં સ્વીકારતા તેમના પુત્ર જીલ ટેલરને રંગેહાથ ઝડપી લીધો

સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં બિલ પાસ કરાવવાના નામે લાંચની માંગણી કરનાર મહિલા સરકારી કર્મચારી વતી લાંચના નાણાં સ્વીકારતા તેના પુત્રને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ સરપ્રાઈઝ દરોડાથી સુરત જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલો સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાનો છે. અહીં એક ફરિયાદીના વર્ષ 2022 થી વર્ષ 2024 સુધીના ટીએ બિલ તથા એલટીસી બિલ પાસ કરવાના બાકી હતા. આ સરકારી બિલ મંજૂર કરવાના અવેજ પેટે કચેરીમાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન પરેશકુમાર ટેલરે કુલ રૂપિયા 62,500 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા એસીબી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમે બાતમીના આધારે લાંચનું છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. પ્લાન મુજબ, જ્યારે ફરિયાદી લાંચના હપ્તા પેટે રૂપિયા 30,000 આપવા પહોંચ્યા, ત્યારે મુખ્ય આરોપી મહિલા ક્લાર્ક રૂપલબેન ટેલરના સ્થાને તેમનો પુત્ર જીલ પરેશ ટેલર નાણાં લેવા માટે આવ્યો હતો. જીલે જેવા લાંચના રૂ. 30 હજાર હાથમાં લીધા કે તરત જ છૂપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
