<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ અને અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર :બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને લેવાયો બ્લૉક

બુલેટ ટ્રેનની કામગીરી દેશ માટે મહત્વની હોવાથી મુસાફરો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી

અમદાવાદમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એટલે કે બુલેટ ટ્રેન પરિયોજનાની કામગીરી વેગ પકડી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા અને મણીનગર સ્ટેશનો વચ્ચે પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે આગામી 29 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લૉક લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે દ્વારા અગાઉથી યાદી જાહેર કરવામાં આવી છે.

NHSRCL ની કામગીરીને પગલે 29 એપ્રિલના રોજ મુખ્યત્વે ત્રણ ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જામનગર-વડોદરા ઈન્ટરસિટી (22960), વડોદરા-વટવા મેમૂ (69115) અને વટવા-વડોદરા મેમૂ (69102) નો સમાવેશ થાય છે. જે મુસાફરોએ આ ટ્રેનોમાં મુસાફરીનું આયોજન કર્યું હોય તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.

વલસાડથી અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય ટ્રેન 'ગુજરાત ક્વીન' (19033) પણ આ બ્લૉકથી પ્રભાવિત થશે. 29 એપ્રિલના રોજ આ ટ્રેન વલસાડથી ઉપડશે પરંતુ વડોદરા અને અમદાવાદ વચ્ચેના રૂટ પર આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન માત્ર વડોદરા સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે.

બ્લૉકને કારણે ઘણી મહત્વની ટ્રેનોને રી-શિડ્યુલ અથવા રેગ્યુલેટ કરવામાં આવી છે:

  • શતાબ્દી એક્સપ્રેસ (12009): મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં આશરે 1 કલાક મોડી ઉપડશે.
  • સહરસા-અમદાવાદ એક્સપ્રેસ (19484): આ ટ્રેન વડોદરા પાસે લગભગ 1 કલાક અને 40 મિનિટ રોકવામાં આવશે.
  • હાવડા-અમદાવાદ એક્સપ્રેસ (12834): આ ટ્રેન પણ વડોદરા મંડળમાં લગભગ 1 કલાક 40 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
  • સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ (22718): આ ટ્રેન પણ વડોદરા મંડળમાં આશરે 45 મિનિટ મોડી ચાલશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનનો ચોક્કસ સમય અને સ્ટેટસ તપાસી લેવું. મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેન અંગેની લેટેસ્ટ અપડેટ મેળવી શકે છે. બુલેટ ટ્રેનની કામગીરી દેશ માટે મહત્વની હોવાથી મુસાફરો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

 

(9:29 PM IST)