તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ઓઢવમાં SOGનો સપાટો: સંકટમોચન મંદિર પાસેના મકાનમાંથી 1.18 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
રોકડ, ડિજિટલ વજનકાંટો અને પેકિંગ સામગ્રી સહિત કુલ ₹1.07 લાખનો મુદ્દામાલ કબજે; NDPS હેઠળ ગુનો નોંધી સપ્લાય નેટવર્કની તપાસ શરૂ

અમદાવાદ, શનિવાર : શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ગજરાવાડી પાર્ક પાછળ સંકટમોચન હનુમાન મંદિર નજીક આવેલા એક મકાન પર દરોડો પાડી SOGની ટીમે 1 કિલો 184 ગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઓઢવ રિંગ રોડ પર સંકટમોચન હનુમાન મંદિર પાસેના સર્વે નંબર 188ના મકાનમાં નશીલા પદાર્થનો જથ્થો સંતાડી રખાયો હોવાની ચોક્કસ બાતમી SOGને મળી હતી. આ માહિતીના આધારે ટીમે મકાનમાં તપાસ હાથ ધરતાં 1 કિલો 184 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹59,200 આંકવામાં આવી છે.
છૂટક વેચાણની સામગ્રી અને રોકડ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે માત્ર ગાંજાનો જથ્થો જ નહીં, પરંતુ નશીલા પદાર્થના વેચાણ કે વિતરણમાં વપરાતી સામગ્રી પણ કબજે કરી છે. મકાનમાંથી ગાંજાના પેકિંગ માટેની સામગ્રી, ડિજિટલ વજનકાંટો, મોબાઈલ ફોન અને રોકડા ₹42,850 મળી આવ્યા હતા. આમ, ગાંજો, રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ ₹1,07,050નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
બે આરોપીની ધરપકડ, ઉત્તર પ્રદેશ કનેક્શનની તપાસ
આ કાર્યવાહીમાં SOG ક્રાઈમ બ્રાન્ચે સંજય છન્નુલાલ બાજપાઈ અને ધરમવીરસિંગ શ્રીરામખિલાવનસિંગ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં 26 વર્ષીય આરોપી ધરમવીરસિંગ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સપ્લાય ચેઈન અંગે ઝીણવટભરી તપાસ
પકડાયેલા આરોપીઓ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી મેળવ્યો હતો અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે SOG દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તેની પણ કડીઓ જોડવાની કામગીરી ચાલી રહી છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
