<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

શામળાજી નજીક ગલીસીમરો ગામમાં એસ.ઓ.જી. પોલીસનો દરોડો:લાખોના ગાંજાના છોડ સાથે 80 વર્ષીય વૃઘ્ધની ધરપકડ

ઘરની આગળ જ સાડીઓ બાંધીને આડશ ઊભી કરી જેથી બહારથી કોઈ જોઈ ન શકે :સાડીઓની આડમાં ગાંજાના છોડ ઉગાડયા હતા :પોલીસે ત્યાંથી ગાંજાના નાના-મોટા કુલ 54 છોડ શોધી કાઢ્યા

અરવલ્લીના શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામમાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે એક 80 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શામળાજીના ગલીસીમરો ગામે રહેતા એક વૃદ્ધ પોતાના ઘર આંગણે ગેરકાયદેસર માદક પદાર્થનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કોઈ પણ પ્રકારની ઢીલ રાખ્યા વિના તાબડતોબ ગલીસીમરો ગામે દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

 

આરોપીએ પોલીસ અને આસપાસના લોકોની નજરથી બચવા માટે એક અનોખી કીમિયો અજમાવ્યો હતો. તેણે પોતાના ઘરની આગળ જ સાડીઓ બાંધીને આડશ ઊભી કરી દીધી હતી, જેથી બહારથી કોઈ જોઈ ન શકે. આ સાડીઓની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી ગાંજાના નાના-મોટા કુલ 54 છોડ શોધી કાઢ્યા હતા. આ છોડનું કુલ વજન 31.950 કિલોગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 15,97,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

 

આ મામલે પોલીસે ઘરના માલિક 80 વર્ષીય રામાભાઈ ઓજાતની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વૃદ્ધે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપીના જણાવ્યા અનુસાર, તેને કોઈ સાધુ પાસેથી આ ગાંજાના બીજ મળ્યા હતા. એ બીજ તેણે પોતાના ઘર આંગણે વાવી દીધા હતા અને છોડ મોટા થતાં તેમાંથી ગાંજાનો વેપલો કરવાની ફિરાકમાં હતો.

 

હાલમાં શામળાજી પોલીસે આ મામલે પકડાયેલા આરોપી રામાભાઈ ઓજાત વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ ગાંજાના બીજ આપનાર સાધુ કોણ હતો? આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે? અને અગાઉ આ રીતે કોઈ માદક પદાર્થો સપ્લાય કરવામાં આવ્યા છે કે કેમ, તે તમામ દિશાઓમાં એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

 

(9:31 PM IST)