<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

વલસાડ જિલ્લાના ભીલાડમાં ટેન્કરમાંથી LPG ગેસ ચોરી સિલિન્ડરમાં રીફિલિંગનું રેકેટ SOGએ પકડી પાડ્યું

SOGએ આ કાર્યવાહીમાં ટેન્કર, પિકઅપ વાન, ગેસના સિલિન્ડરો તેમજ ગેરકાયદેસર રિફિલિંગ માટે વપરાતી પાઇપો સહિત કુલ 63 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે

વલસાડના ભીલાડ નજીક સર્વિસ રોડ પર LPG ગેસની ચોરી અને ગેરકાયદેસર રિફિલિંગ કરતું મોટું નેટવર્ક વલસાડ જિલ્લા SOGએ પકડી પાડ્યું છે.

આ કાર્યવાહીમાં ટેન્કર, પિકઅપ વાન, ગેસના સિલિન્ડરો તેમજ ગેરકાયદેસર રિફિલિંગ માટે વપરાતી પાઇપો સહિત કુલ 63 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. અમરેલી જિલ્લાના પીપોદ વિસ્તારથી LPG ગેસ ભરેલું ટેન્કર નંબર GJ06 AX 5451 સરીગામ સ્થિત શિવ શક્તિ ગેસ પ્લાન્ટ તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ભીલાડ નજીક હાઇવે પાસે આવેલા સર્વિસ રોડ પર ટેન્કર ઉભું રાખીને તેમાં રહેલો ગેસ ગેરકાયદેસર રીતે નાના સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો હતો.
આ સમગ્ર કામગીરી માટે GJ15 AV 1367 નંબરની મહેન્દ્રા પિકઅપ વાનનો ઉપયોગ કરાઇ રહ્યો હતો. ટેન્કરમાંથી પાઇપ મારફતે ગેસ સીધો સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો અને ત્યારબાદ આ સિલિન્ડરો પિકઅપમાં મુકાઇ રહ્યા હતા.
વલસાડ જિલ્લા SOGને મળેલી બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરી ટેન્કર, પિકઅપ, ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડરો, ગેસ રિફિલિંગ માટે વપરાતી પાઇપો અને અન્ય સાધનો મળી કુલ રૂ. 63.60 લાખનો મુદ્દામાલ કબજે લઇ બીએનએસની કલમ 306, 287, 54 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધી ટેન્કર ચાલક ભીમ શિવકુમાર યાદવ, રહે. ઉત્તર પ્રદેશ, હેરાફેરીમાં સંડોવાયેલા સુરેશ પ્રકાશ ગોદારા, રહે. કરમબેલી, અને અશોક બાબુરામ ગોદારા, રહે. સરીગામ સામે ગુનો નોંધ્યો છે.
ઉપરાંત બે પિકઅપ ટેમ્પોના ચાલકો અને સ્થાનિક લોકો, જે ગેસ ચોરી બાટલામાં વાલ્વ અને નોઝલ રિપેરિંગનું કામ કરતા હતા.
એલપીજી ગેસ ચોરીમાં ગેસ ક્યાંથી લવાયો હતો અને ક્યાં પહોંચાડવામાં આવવાનો હતો તે દિશામાં પણ એસઓજીએ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ચોરીમાં કંપનીના માલિકો અથવા અન્ય કર્મચારીઓની કોઇ સંડોવણી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. યોગ્ય તપાસ થાય તો આ ચોરીમાં મોટા માથાઓનું નામ ખુલી શકે તેમ છે.
સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં લાંબા સમયથી કેમિકલ અને ડીઝલ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. જેમાં હાલ જ નરોલીના એક કૌભાંડમાં કેટલાક પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. જે માટે પોલીસના ઉચ્ચ અધિકારીએ એક કમિટીની રચના કરી આ કૌભાંડને બહાર પાડવા યોજના બનાવી છે. કોઇ ગોલુ નામનો ઇસમ આ સમગ્ર કૌભાંડ પાછળ સંડોવાયેલો છે તેમ પણ જાણવા મળી રહ્યું છે

(11:29 AM IST)