તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોનું ‘સ્ટ્રેટેજિકલ કન્ટેન્ટ વોર'

ભાજપ દ્વારા સુરક્ષિત ગુજરાત, કોંગ્રેસ દ્વારા પરિવર્તન, આપ દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો હવે પક્ષોનો સોશિયલ મીડિયા થકી પ્રચાર : પ્રચાર સભાઓ-રેલીઓમાં મતદારો ન આવતા હવે સોશિયલ મીડિયા થકી મોરચો માંડતા પક્ષો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણીના પ્રચાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર સભાઓમાં સામાન્ય નાગરિકો બહુ રસ લઈ રહ્યા નથી ત્યારે રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારો સુધી પહોંચવા હરીફ પક્ષો ઉપર બેફામ પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં થયેલી દુર્ઘટનાઓથી લઈને ખામીઓ યાદ કરાવાઈ રહી છે. તો ભાજપ દ્વારા ગુજરાતને કેવી રીતે સુરક્ષિત કરાયું ત્યાંથી લઈને અત્યાર સુધી કરાયેલા અનેક વિકાસકામોનો હવાલો અપાઈ રહ્યો છે. તો આપ દ્વારા ભ્રષ્ટાચાર ડામવાના મુદ્દાને આગળ કરાઈ રહ્યો છે.
રાજ્યભરમાં મોટાપાયે યોજાઈ રહેલી ચૂંટણીઓમાં અત્યાર સુધી રાજકીય પક્ષો દ્વારા તેમના તમામ ટોચના નેતાઓની જાહેર સભા, પ્રચાર રેલી અને નાના પાયે પણ મતદારો સુધી પહોંચવા માટેની મીટિંગ યોજાઈ રહી છે. જો કે આકરી ગરમી, કેટલાક કિસ્સામાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા યોગ્ય કામગીરી ન થવી અને નિરસતાના કારણે મતદારો હજુ ચૂંટણી માહોલ સાથે જોડાઈ રહ્યા નથી. રિક્ષાઓ સહિતના વાહનો દ્વારા લાઉડ સ્પીકર થકી પણ આખો દિવસ પ્રચાર કરાતો હોવા છતાં મતદારો તરફથી કોઈ પ્રતિભાવ મળી રહ્યો નથી. તે સંજોગોમાં તમામ પક્ષોએ પ્રચારના છેલ્લા ચાર દિવસ બાકી છે ત્યારે સોશિયલ મીડિયા થકી એકબીજા સામે પ્રચાર યુદ્ધ શરૂ કરી દીધું છે. મતદાર નાગરિકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે તે દરમિયાન તેમના સુધી પ્રચાર પહોંચે તેવી વ્યવસ્થા કરી એકબીજા સામે મોરચો માંડવામાં આવી રહ્યો છે.
ભાજપ દ્વારા અત્યાર સુધી કરાયેલા અનેક વિકાસ કામોનું મજબૂત ભાયુ તેમના પ્રચારનો મુખ્ય મુદ્દો છે. તે સાથે ગુજરાતને કેવી રીતે ભયમુક્ત કરાવાયું તેની યાદ પણ મતદારોને અપાવાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં રહેલી ખામીઓને ઉજાગર કરી એક તક આપવા અપીલ કરાય છે. તો આપ દ્વારા કામની રાજનીત્તિ કરવાનો વાયદો અપાયો છે
તીખા પ્રહાર
*આપ જીતશે અને ભ્રષ્ટાચાર વિના લોકોના કામ થશે
*હવે બધે વિસાવદરવાળી, કામની રાજનીતિ પર ભાર
*ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ એક જ હોવાની રજૂઆત
*ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી અને ઇમાનદારીની વાતો
*ઝાડુવાળા આવશે તો જ કામ થશે
*ભાજપના ગોટાળાનો જનતા જવાબ આપશે
*ભષ્ટાચાર પૂરો, વિકાસ અધૂરો
*પંજાબ જેવી સુવિધાની વાતો
પરિવર્તન માટે વાયદા
*પરિવર્તન અને વિકલ્પ ઉપર ભાર આપી ‘હવે તો સમજો, લઇ આવો પંજો'નું સ્લોગન
*કૉંગ્રેસે બનાવેલી પાણીની ટાંકીઓ આજે પણ અડીખમ, ભાજપની ટાંકી ભરાતા જ ઘડામ.
*ભાજપે સરકારી નોકરીઓ કાપી અને બેકારી આવી પર પ્રહાર કરતી રજૂઆત
*કૉંગ્રેસ જ નશામુક્ત ગુજરાત કરાવશે
*જ્યાં જુઓ ત્યાં ખાડા, સરકારી શાળાઓની કથળતી હાલત પર ભાર
*દાહોદમાં મનરેગા કૌભાડ સહિતના ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારનો પ્રચાર
*સુરત તક્ષશિલાકાંડમાં વિદ્યાર્થીઓના મોત
*ભાજપના રાજમાં ગુંડા તત્વો બૈફામ થયા
વિકાસની માર્કશીટ
*વિકાસ અને સલામતીને મહત્વ આપી રથયાત્રા ઉપર પહેલા હુમલા થતા હતા તેને યાદ કરાવી હવે શાંત અને સુરક્ષિત ગુજરાતનો મુદ્દે
*ઘરે ઘરે પાણી, ગેસના બાટલા અને શૌચાલયની સુવિધાની વાત
*ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક અને સેનાનું આધુનિકીકરણ
*જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી
*ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની સુવિધા
*વંદે ભારત, મેટ્રો ટ્રેનની શરૂઆત
*કોંગ્રેસી નેતાઓના પીએમ મોદી વિરોધી ઉચ્ચારણો પર પ્રહાર
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
